આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે આપતા લાડુ બનાવવામાં વાપરતા ઘીમાં એનિમલ ફેટની હાજરીની જાન થતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી છે. આંધ્ર પ્રદેશ સરકાર તેલુગુ દેશમ પાર્ટી(TDP) સવાલોના ઘેરામાં આવી છે, જયારે TDP પાછળની સરકાર પર આરોપો લગાવી રહી છે. એવામાં મદિરમાં મહા શાંતિહોમનું આયોજન કરવામાં આવ્યું છે.
આંધ્ર પ્રદેશ સરકારે પણ ત્રણ મોટા નિર્ણયો લીધા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરને પરંપરાઓ અનુસાર શુદ્ધ કરવામાં આવશે. આ સાથે સમગ્ર મામલાની આઈજીપી કક્ષાએ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ સિવાય તમામ મંદિરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવશે, જેનું પાલન તમામ મંદિરો માટે ફરજિયાત રહેશે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD) એ લાડુ પ્રસાદમ વિવાદને પગલે મહા શાંતિહોમનું આયોજન કર્યું છે. TTDના કાર્યકારી અધિકારી શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓ પૂજારીઓ સાથે હોમમાં હાજરી આપી હતી.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે, જેનું સંચાલન આંધ્ર પ્રદેશ સરકાર કરે છે. ટ્રસ્ટ મુખ્યત્વે વેંકટેશ્વર મંદિર, તિરુમાલાની કામગીરી અને નાણાંકીય બાબતોની દેખરેખ રાખે છે. તેનું મુખ્ય મથક આંધ્ર પ્રદેશમાં તિરુમાલા, તિરુપતિ ખાતે છે.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એવો આક્ષેપ કર્યો હતો કે અગાઉની રાજ્ય સરકાર દરમિયાન ટીટીડી બોર્ડમાં નિમણૂકો ‘જુગાર જેવી’ બની ગઈ હતી અને બોર્ડમાં બિન-નિવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
તેમના નિવાસ સ્થાને પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું કે લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ઘટસ્ફોટ બાદ લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. નાયડુએ કહ્યું, “SITની રચના IG (ઇન્સ્પેક્ટર જનરલ) સ્તર અથવા તેનાથી ઉપરના અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે. SIT તમામ કારણો, સત્તાના દુરુપયોગની તપાસ કરશે અને સરકારને રિપોર્ટ કરશે.’