સમયનું ચક્ર ફર્યું છે અને ભારત હવે વિશ્વ માટે દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે: મોદી
સામ્ભલ: દેશ માટે સમયનું ચક્ર ફર્યું છે અને ભારત હવે વિશ્વ માટે દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું. ભારત હવે અનેક બાબતે અગ્રેસર રહી વિશ્વ માટે વિશ્વ માટે દૃષ્ટાંતરૂપ બની રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. ઈશ્વરે મને ભારત નામના મંદિરનું નવનિર્માણ કરવાની જવાબદારી સોંપી છે, એમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં કલ્કીધામ મંદિરની શિલારોપણ વિધિ બાદ એક સમારોહને સંબોધતાં તેમણે કહ્યું હતું કે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાસ્થિત રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન નવું ચક્ર શરૂ થયું હોવાનું મેં જણાવ્યું હતું.
જ્યારે રામ શાસન કરતા હતા ત્યારે તેમનો પ્રભાવ હજારો વર્ષ રહ્યો હતો. એ જ પ્રમાણે રામ લલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે ભારતનો આગામી હજારો
વર્ષનો પ્રવાસ શરૂ થયો છે, એમ તેમણે કહ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને ધર્મગુરુઓના આશીર્વાદ માગતા મોદીએ કહ્યું હતું કે ઈશ્વરે મને રાષ્ટ્રરૂપી મંદિરનું નવનિર્માણ કરવાની જવાબદારી સોંપી છે. એકતરફ ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શહેરોમાં હાઈટૅક માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આજે દેશમાં મંદિરોની સાથે સાથે નવી મૅડિકલ કૉલેજો પણ ઊભી કરવામાં આવી રહી છે. આજે વિદેશથી પ્રાચીન કૃતિઓ પણ દેશમાં પાછી લાવવામાં આવી રહી છે અને વિક્રમજનક વિદેશી રોકાણ પણ દેશમાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. આ પરિવર્તન દર્શાવે છે કે સમયનું ચક્ર ફર્યું છે અને નવો યુગ દેશના દરવાજે દસ્તક દઈ રહ્યો છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ પરિવર્તનને આપણે ખુલ્લા હૃદયે આવકારવું જોઈએ.
પ્રથમ જ વાર ભારત અન્ય દેશને અનુસરવાને બદલે અન્ય દેશ માટે દૃષ્ટાંતરૂપ બનવાની સ્થિતિમાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
ટૅક્નોલૉજી અને ડિજીટલ ટૅક્નોલૉજી ક્ષેત્રમાં પ્રથમ જ વાર ભારતને તકના સંભવિત કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વિશ્વ હવે ભારતને ઈનોવેટિવ હબ તરીકે ઓળખે છે. પ્રથમ વાર ભારત વિશ્વનું પાંચમા ક્રમાંકનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પણ આપણે પહોંચી ગયા છીએ.
ભારત પરાજયમાંથી પણ વિજય મેળવે એવો દેશે છે, એમ તેમણે કહ્યું હતું. સેંકડો વર્ષ આપણા દેશ અને સમાજ પર આક્રમણ કરવામાં આવ્યું હતું એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતની જગ્યાએ કોઈ અન્ય દેશ કે સમાજ હોત તો સતત થયેલા આટલા બધા આક્રમણને કારણે તે નાશ પામ્યો હોત, પરંતુ આપણો દેશ આ તમામ મુસીબતોમાંથી વધુ મજબૂત બનીને બહાર આવ્યો છે. (એજન્સી) ઉ