નેશનલ

ભારતીય ઉદ્યોગના કદ અને સ્તરમાંપરિવર્તન લાવવાનો આ સમય: શાહ

નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગના કદ અને સ્તરમાં પરિવર્તન લાવવાનો આ સમય હોવાનું જણાવતાં ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપની બને એ સમયની માગ છે.

પીએચડી ચેમ્બર્સ ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીસના ૧૧૮મા વાર્ષિક સમારોહને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આપણે મોટા ઉદ્યોગોની સાથે નાના ઉદ્યોગોનું નૅટવર્ક પણ મજબૂત કરવું પડશે અને એ માટે માળખાકીય સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડવા પીએચડી ચેમ્બર્સ ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીસે આગળ આવવું પડશે.

પીએચડી ચેમ્બર્સ ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીસે એવું વાતાવરણ ઊભું કરવું પડશે જેને કારણે યુવાનો, મહિલાઓ અને એમએસએમઈને સરકારની નીતિઓનો વધુમાં વધુ લાભ મળી શકે.

અમૃતકાળનાં આવનારાં પચીસ વર્ષ (આઝાદીના ૭૫ વર્ષથી શતાબ્દી) દરમિયાન દેશના ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવામાં પીએચડી ચેમ્બર્સ ઑફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીસે નિર્ણાયક ભૂમિકા ભજવવાની રહેશે, એમ તેમણે કહ્યું હતું.

દેશ લોકશાહીના મૂળિયા વધુ ઊંડા નાંખવામાં સફળ રહ્યો એ આઝાદીના ૭૫ વર્ષની સૌથી મોટી સિદ્ધિ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નીતિપૂર્વકનો વહીવટ સતત ચાલતી પ્રક્રિયા હોવાનું ભારતે વિશ્ર્વને દર્શાવી દીધું છે.

‘વસુદૈવ કુટુમ્બકમ’ની નીતિને આધારે તમામ ક્ષેત્રની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ભારત વિશ્ર્વનું નેતૃત્ત્વ કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

આતંકવાદ વિરુદ્ધની લડત, સૌરઊર્જા, હરિત ઊર્જા સહિતના ક્ષેત્રે ભાગીદારી જેવી બાબતમાં વિશ્ર્વ ભારત તરફ મીટ માંડી રહ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આજે ભારત વિશ્ર્વને માર્ગદર્શન આપવાની બાબતમાં પહેલ કરી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટેનો મજબૂત પાયો નાખ્યો છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button