ટિકટૉકને યુરોપમાં 36.8 કરોડ ડૉલરનો દંડ
બાળકોની અંગત માહિતીના રક્ષણમાં નિષ્ફળ જવાનો આરોપ
લંડન: યુરોપિયન નિયામકે ટિકટૉક પર બાળકોની અંગત માહિતીના રક્ષણમાં નિષ્ફળ જવાનો આરોપ મૂકીને શુક્રવારે 36.8 કરોડ ડૉલરનો દંડ કર્યો હતો.
નાની વીડિયો ક્લિપ્સ શૅર કરવા માટેની લોકપ્રિય ઍપ્લિકેશન ટિકટૉકને બાળકોની `અંગત માહિતીની સુરક્ષા’ માટેના યુરોપના કડક કાયદા હેઠળ આ સૌપ્રથમ વખત દંડ કરાયો છે.
આયર્લેન્ડના ડૅટા પ્રૉટૅક્શન કમિશને જણાવ્યું હતું કે ટિકટૉકને 34.5 કરોડ યુરોનો દંડ કરાયો હતો અને 2020ના વર્ષમાંના છેલ્લા છ મહિનાથી તેના દ્વારા સંબંધિત કાયદાના કરવામાં આવતા ભંગ બદલ ઠપકો પણ અપાયો હતો.
ટિકટૉક સામેની તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરનારા કિશોરો – કિશોરીઓ જ્યારે આ ઍપ માટે સાઇન-અપ' કરે છે, ત્યારે સૅટિંગ્સમાંની કહેવાતી ખામીને લીધે અકાઉન્ટની વિગત
ડિફૉલ્ટ’થી જાહેર થઇ જાય છે અને તેઓના વીડિયો ક્લિપ્સ કોઇ પણ જોઇ શકે છે તેમ જ તેના પર ટિપ્પણી કરી શકે છે. આ ડિફૉલ્ટ સૅટિંગ્સને લીધે 13 વર્ષથી નાની વયના બાળકો પણ પરવાનગી નહિ હોવા છતાં આ પ્લૅટફૉર્મને ઍક્સેસ કરી છે એટલે કે આ વીડિયો ક્લિપ્સ જોઇ શકે છે.
યુરોપિયન નિયામકે જણાવ્યું હતું કે બાળકોના મા-બાપ ઍપનું સૅટિંગ્સ ગોઠવી શકે એવી જોગવાઇ ધરાવતી ફૅમિલી પૅરિંગ' ફીચરની ડિઝાઇન પણ નબળી છે તેમ જ 16 અને 17 વર્ષની વયના વપરાશકારોની પરવાનગી વિના પુખ્તવયના લોકો સીધા મૅસૅજ મોકલવાની સિસ્ટમ ચાલુ (ટર્ન ઑન) કરી શકે છે. આ ઉપરાંત, કિશોરો અને કિશોરીઓ આ ઍપ્લિકૅશન માટે
સાઇન અપ’ કરે તે પછી તેઓના વીડિયો અન્ય બધા લોકો જોઇ શકે છે અને તેના પર ટિપ્પણી કરી શકે છે.
દરમિયાન, ટિકટૉકે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે નિયામકના ચુકાદા, ખાસ કરીને કરાયેલા મોટા દંડના પ્રમાણ સાથે અસહમત છીએ. નિયામકે અમારી ઍપ્લિકેશનના ત્રણ વર્ષ જૂના ફીચર્સ અને સૅટિંગ્સના આધારે ચુકાદો આપ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે અમારી સામે સંબંધિત તપાસ 2021માં શરૂ થઇ, તેની પહેલા જ ઍપમાં જરૂરી સુધારાવધારા કરી દેવાયા હતા અને 16 વર્ષની નાની ઉંમરના વપરાશકારો એટલે કે 13થી 15 વર્ષ વચ્ચેના વયજૂથના વપરાશકારો માટે ડિરેક્ટ મૅસૅજિંગ'ને
ડિસઍબલ’ કરાયું હતું.
યુરોપિયન યુનિયનના `પ્રાઇવસી લૉઝ’ (અંગત માહિતીની સુરક્ષા માટેના કાયદા)નો અમલ 2018થી શરૂ થયો હોવા છતાં આયર્લેન્ડના ડૅટા પ્રૉટૅક્શન કમિશને ધીમી ગતિએ કાર્યવાહી કરીને પગલાં લીધા હોવાનો આક્ષેપ કરાય છે.
આયર્લેન્ડના ડૅટા પ્રૉટૅક્શન કમિશન ટિકટૉક સામે યુરોપિયન યુનિયન જનરલ ડૅટા પ્રૉટૅક્શન રૅગ્યુલૅશનને અનુસરવાના સંબંધમાં પણ તપાસ કરી રહ્યું છે. ટિકટૉકનું મૂળ માલિક `બાઇટડાન્સ’ ચીનમાં હોવાથી ટૅકટૉક વપરાશકારની અંગત માહિતી ચીન મોકલતું હોવાનો આક્ષેપ પણ છે. (એજન્સી)