બિહાર કોંગ્રેસમાં ટિકિટ કૌભાંડનો ધડાકો! ધારાસભ્ય અફાક આલમે ‘પૈસા લઈને સીટ વહેંચાઈ’ની ઓડિયો ક્લિપ કરી વાયરલ

પટણા: બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનના પ્રમુખ પક્ષ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીના મુદ્દે દિવાળી પર જ હોળી સળગી છે. હવે કોંગ્રેસના ધારાસભ્ય અફાક આલમે પાર્ટીની અંદર પૈસા લઈને સીટ વહેંચવામાં આવી રહી હોવાનો દાવો કર્યો છે. આ સંબંધે એક ઓડિયો ક્લિપ પણ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ સાથે વાત કરી રહ્યા છે. આ વાતચીતમાં પપ્પુ યાદવનું નામ પણ સામે આવ્યું છે, જેમાં અફાક આલમ કઇ રહ્યા હતા કે તેમની તરફથી નામ ફાઇનલ હતું પરંતુ પપ્પુ યાદવે પૈસા દઈને ઈરફાનને ટિકિટ આપી દીધી.
અફાક આલમ બિહાર સરકારમાં ચાર વખત ધારાસભ્ય અને પ્રધાન પણ રહી ચૂક્યા છે. જોકે, આ વખતે પાર્ટીએ તેમણે ટિકિટ નથી આપી અને ઇરફાનને મેદાનમાં ઉતાર્યા છે. આથી રોષે ભરાયેલા અફાક આલમે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામ સાથેની તેમની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ જાહેર કર્યું હતું, જેમાં આરોપ લગાવ્યો કે પૈસાના બદલામાં ટિકિટ વહેંચવામાં આવી રહી છે.
તેમણે પોતાના સમર્થકોને અપીલ કરતા કહ્યું હતું કે જેઓ પૈસા માટે ટિકિટ વહેંચી રહ્યા છે તેમને જડબાતોડ જવાબ આપવામાં આવે. આવા લોકોને પાઠ ભણાવવાની જરૂર છે જેથી ભવિષ્યની પેઢીઓ સુધરી શકે. તેમણે કહ્યું કે આ લોકશાહીનું હનન છે. તેમણે કહ્યું કે તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. ઘણા પૈસા પડાવવામાં આવ્યા હતા, અને પૈસા પપ્પુ યાદવ પાસે જમા કરાવવામાં આવ્યા હતા. પછી, ઓકે મળ્યા પછી, તેમને ટિકિટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે શનિવારે પણ ટિકિટ વહેંચણીને લઈને પ્રદેશના અનેક વરિષ્ઠ નેતાઓએ જાહેર મંચથી પાર્ટીના નેતૃત્વ પર પક્ષપાત અને મનમાનીનો આરોપ લગાવ્યો હતો. પટણામાં કોંગ્રેસના રિસર્ચ સેલના અધ્યક્ષ આનંદ માધવ, પૂર્વ ઉમેદવાર ગજાનંદ શાહી, છત્રપતિ તિવારી, નાગેન્દ્ર પ્રસાદ વિકલ, રંજન સિંહ, બચ્ચુ પ્રસાદ સિંહ અને બંટી ચૌધરી સહિત અનેક નેતાઓએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાજ્ય પ્રભારી કૃષ્ણા અલ્લાવારુ અને કોંગ્રેસ રાજ્ય એકમના પ્રમુખ રાજેશ રામ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
આપણ વાંચો: મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપ અને RSS છ મહિના પહેલા જ મેદાનમાં! ગામડે-ગામડે સંપર્ક અભિયાન