સુરતથી અયોધ્યા જતી `આસ્થા સ્પેશિયલ’ ટે્રન પર પથ્થરમારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટે્રન દોડાવવામાં આવી રહી છે. સુરતથી અયોધ્યા માટે ઉપડેલી ટે્રન પર રવિવારે રાત્રે 10:45 વાગ્યે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ટે્રનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટે્રન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નહતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટે્રનને રવિવારે ફ્લેગઓફ આપવામાં આવ્યું હતું. પરંતુ
આ ટે્રનને આગળ જતા મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ટે્રન જેવી અયોધ્યા તરફ જવા રવાના થઈ અને નંદુરબાર પહોંચી તો રાતે ટે્રન પર પથ્થરમારો કરાયો હતો. આ ટે્રનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ડરના માર્યે ટે્રનના દરવાજા બંધ કરી દીધા હતા. તેમ છતાં ડઝનેક પથ્થરો ટે્રનની અંદર આવી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. બે જેટલાં મુસાફરોની ફરિયાદ લઈને તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. ટે્રનને પોણો કલાક સુધી ઊભી રાખી તપાસ કર્યા બાદ ટે્રનને આગળ રવાના કરી હતી.