Wayanad માં સેનાનું બચાવ કાર્ય જોઇ ભાવુક થયો ત્રણ વર્ષનો બાળક, લખ્યું પ્રિય, ભારતીય સેના..
વાયનાડ : કેરળના વાયનાડ(Wayanad)જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન એક હૃદય સ્પર્શી પત્ર સામે આવ્યો છે. આ ભાવનાત્મક પત્ર બીજા કોઈએ નહીં પણ ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ લખ્યો છે. સેનાના તમામ પ્રયાસો જોઈને તેણે પત્રમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. વાયનાડની AMLP સ્કૂલનો ધોરણ 3 નો વિદ્યાર્થી રેયાન આર્મીની મદદ અને કામથી ખૂબ જ પ્રભાવિત થયો છે. તેણે મોટો થઈને ભારતીય સેનામાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મારે મારા દેશની રક્ષા કરવી છે.
બાળકે મલયાલમમાં લખ્યું, ‘પ્રિય ભારતીય સેના, મારા પ્રિય વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે અહીં તબાહી થઈ હતી. તમને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવતા જોઈને મને ગર્વ અને આનંદ થયો. મેં હમણાં જ એક વિડીયો જોયો જેમાં તમે બિસ્કીટ ખાઈ રહ્યા છો અને તમારી ભૂખ સંતોષવા માટે પુલ બનાવી રહ્યા છો. આ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છું અને હું પણ એક દિવસ ભારતીય સેનામાં જોડાઈને મારા દેશની રક્ષા કરવા ઈચ્છું છું.
સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલુ
ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સેનાની ત્રણ પાંખ ઉપરાંત NDRF-SDRF અને અન્ય સંસ્થાઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલી છે. જો કે રેસ્ક્યુ ટીમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સેંકડો જીવ ગુમાવ્યા
ઘણા દિવસોથી ચાલી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે ગયા મંગળવારે વહેલી સવારે બે ભૂસ્ખલન થયા હતા. જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા. રેસ્ક્યુ ટીમમાં 500થી વધુ સૈનિકો સામેલ છે. સેનાની ટીમો તેમના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા માટે સતત કામ કરી રહી છે. શનિવારે સૈનિકો ભૂસ્ખલનથી પ્રભાવિત ચાના બગીચાઓ અને ગામડાઓમાં સુધી પહોંચી ગયા હતા.