બૅન્ક ઑફ બરોડા સહિત ત્રણ બૅન્કને દંડ
મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ બૅન્ક ઑફ બરોડા, સિટીબૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કને વિવિધ નિયમનો ભંગ કરવા બદલ શુક્રવારે કુલ રૂપિયા ૧૦.૩૪ કરોડનો દંડ કર્યો હતો.
રિઝર્વ બૅન્કે નિવેદનમાં જણાવ્યું હતું કે સિટીબૅન્ક એનએને થાપણદારો (ડિપોઝિટર)માં ફંડ સ્કીમને લગતી જાગૃતિ લાવવા માટેના નિયમ અને નાણાકીય સેવા (ફાઇનાન્શિયલ સર્વિસ)ના આઉટસૉર્સિંગને લગતા કાયદાનો ભંગ કરવા બદલ રૂપિયા પાંચ કરોડનો દંડ કરાયો હતો.
સરકારી માલિકીની બૅન્ક ઑફ બરોડાને ‘લાર્જ કૉમન એક્સ્પોઝર’ માટેની ‘સેન્ટ્રલ રિપોઝિટરી’ને લગતા અમુક નિયમનો ભંગ કરવા બદલ રૂપિયા ૪.૩૪ કરોડનો દંડ કરાયો હતો.
ચેન્નઇની જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કને લોન (કરજ) અને એડવાન્સીસને લગતા નિયમનો ભંગ કરવા બદલ રૂપિયા એક કરોડનો દંડ કરાયો હતો.
રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે આ ત્રણે કેસમાં બૅન્કો દ્વારા વિવિધ નિયમનો ભંગ કરાયો હોવાનું બહાર આવ્યું હોવાથી સંબંધિત દંડ કરાયો હતો. (એજન્સી)