ગુજરાતની બહાર પણ છે હજાર વર્ષ જૂનું ‘સોમનાથ’! જાણી લેજો ખાસિયત બનશે આગામી પ્રવાસનું આકર્ષણ!

ડુંગરપુર: ‘સોમનાથ’ શબ્દ સાંભળીએ એટલે આપણા મન અને મસ્તિષ્કમાં અરબ સમુદ્ર જેના ચરણ પખાળે છે, તેવા સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું સ્મરણ થઈ આવે. પરંતુ ગુજરાતી પ્રજાને ફરવાનું મન થાય તો તેની પહેલી પસંદગી હોય છે પાડોશી રાજ્ય રાજસ્થાન. રાજસ્થાન વીરો અને બલિદાનની સાથે જ ધર્મના ભવ્ય વારસાની ભોમકા પણ રહી છે. રાજસ્થાનમાં માત્ર કિલ્લાઓ અને મહેલો જ નહિ પરંતુ અનેક હિન્દુ દેવ-દેવીઓના મંદિરો, જૈન તીર્થંકરોના દેરાસરો-દહેરાઓ આવેલા છે. ગુજરાતની બહાર હજાર વર્ષનો ઇતિહાસ ધરાવતું સોમનાથ પણ રાજસ્થાનમાં જ આવેલું છે. તો ચાલો જાણી લો એ સ્થળ વિશે એટલે કદાચ તમારા આગામી પ્રવાસનો પણ એ ભાગ પણ બની શકે.
કયા આવેલું છે આ મંદિર?
અહી આપણે જેની વાત કરી રહ્યા છીએ તે સોમનાથનું મંદિર રાજસ્થાનના ડુંગરપુરથી લગભગ ૨૪ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સોમ નદીના કિનારે આવેલું આવેલું છે અને આ મંદિર ઇતિહાસ અને ધર્મ પ્રેમીઓ માટે એક અદ્ભુત પ્રવાસન સ્થળ છે. પાકા રસ્તાથી જોડાયેલું આ મંદિર ૧૧મી-૧૨મી સદીના ભવ્ય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. સફેદ પથ્થરોમાંથી બનેલું મંદિરનું માળખું એક મજબૂત સીમા દિવાલની અંદર ઘેરાયેલું છે, જે મંદિરને શાંત અને ભવ્ય ઓપ આપે છે. પ્રવાસીઓને અહીં પ્રાચીન રાજપૂત શાસકોની કલાત્મકતા અને ધાર્મિક શ્રદ્ધાના જીવંત દર્શન થાય છે.
આ પણ વાંચો : સોમનાથ ખાતે કાર્તિક પૂર્ણિમાના લોકમેળાની તારીખ બદલાઈ, જાણો લોકમેળાની નવી તારીખ
મધ્યકાલીન ભારતીય મંદિર નિર્માણની શૈલીનું પ્રતિક
સોમનાથ મંદિરનું સ્થાપત્ય મધ્યકાલીન ભારતીય મંદિર નિર્માણની શૈલીનું પ્રતિક છે. આ સંકુલમાં ત્રણ ભવ્ય પ્રવેશદ્વારો, બે માળના ઝરૂખાઓ, ગર્ભગૃહ, અંતરાલ એટલે કે પ્રવેશખંડ, સભામંડપ, અને મુખ્ય પ્રવેશ દ્વારનો સમાવેશ થાય છે. આ દરેક ભાગ તેની ઝીણી કોતરણીઓ અને ચોક્કસ રચના માટે જાણીતા છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું મૂળ નિર્માણ બાંસવાડાના રાજપૂત શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું.

અનેક કુદરતી આપદાઓને વેઠી ચૂક્યું છે મંદિર
જોકે, આ ભવ્ય મંદિર ૧૮૭૫ની પૂર જેવી કુદરતી આફતોનો સામનો કરી ચૂક્યું છે, જ્યારે નદીનું પાણી ત્રીજા માળ સુધી પહોંચી ગયું હતું અને ઉપરના માળખાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ, આ નુકસાન છતાં, મંદિરનો આત્મા આજે પણ જીવંત છે. સૌથી નોંધનીય વાત એ છે કે, આજે પણ અહીં ચાર સુંદર તોરણ ઊભા છે. આ તોરણો મહારાવલ ગૈપ્પા, સોમદાસ અને ગંગાદાસના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા, અને તેના પરના શિલાલેખો તેમની રાણીઓ અને અન્ય આશ્રયદાતાઓના ઉલ્લેખ સાથે ઇતિહાસની મહત્ત્વપૂર્ણ વિગતો રજૂ કરે છે.

ખાસ લેવી જોઈએ મુલાકાત
ઇતિહાસ, ધર્મ અને સ્થાપત્ય કલામાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે ડુંગરપુરના સોમનાથ મંદિરની મુલાકાત ચોક્કસ એક અનન્ય લ્હાવો અને અનુભવ બની રહેશે. સોમ નદીના કિનારે આવેલું આ શાંત અને પવિત્ર સ્થળ માત્ર પૂજા-અર્ચનાનું કેન્દ્ર નથી, પણ તે રાજસ્થાનના ભૂતકાળની ભવ્યતાને સમજવાની અને તેને નજીકથી માણવાની તક આપે છે. ડુંગરપુરની મુલાકાત લેતા પ્રવાસીઓએ આ પ્રાચીન મંદિરના અવશેષો અને તેના કલાત્મક તારણોને અચૂક નિહાળવા જોઈએ.
આ પણ વાંચો : “મંદિર તૂટી શકે, આસ્થા નહિ” સોમનાથ મંદિરનો આજે સ્થાપના દિવસ
સૌરાષ્ટ્રનું સોમનાથ ભારતના આધ્યાત્મિક વારસાનું પ્રતિક
સૌરાષ્ટ્રમાં આવેલું સોમનાથ એ પ્રતિક છે ભારતવર્ષના ભવ્ય આધ્યાત્મિક વારસાનું. આ મંદિરની સ્થાપના ચંદ્ર દ્વારા દક્ષ રાજાથી મળેલા ક્ષાપના નિવારણ કાજે ભગવાન સોમેશ્વરની સ્થાપના કરી. પછી તો છેક ભગવાન શ્રીકૃષ્ણ સુધી તેનો ઇતિહાસ સંકળાયો. અંતે કાળની વક્રગતિ પણ જોઈ, ભારતની આસ્થાનું પ્રતિક જાહોજહાલીથી ખ્યાત થયું અંતે લૂંટારુઓએ લૂંટ્યું, તોડ્યું તેમ છતાં આજે પણ એવી જ ભવ્યતા સાથે પુનઃ ભારતવર્ષની મહાનતાનું પ્રતિક સમું વિશ્વ સમક્ષ ઊભું છે.



