નેશનલ

બિહાર વિજયનો બોનસ? આ કેન્દ્રીય પ્રધાનનું નામ BJPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ!

પટણા/નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ ધારાસભ્ય અને કાર્યકરોની સંખ્યા ધરાવતી ભારતીય જનતા પાર્ટી (BJP) છેલ્લા કેટલાય મહિનાથી તેના રાષ્ટ્રીય અધ્યક્ષના નામને લઈને અંતિમ નિર્ણય નથી લઈ શકી. પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા મીઠા મેવાના સ્વાદ બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની દાવેદારી રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મજબૂત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બિહાર ચૂંટણીમાં ભાજપના પ્રભારી તરીકે ફરજ નિભાવી હતી અને બિહારના ચૂંટણી પરિણામોને ભાજપ માટે સુખદ બનાવવાના તેમની ભૂમિકા મહત્વની રહી હતી. જો કે આ અંગે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી.

મીડિયા અહેવાલો અનુસાર બિહારમાં આ જીત ભાજપ અને આરએસએસ (RSS) વચ્ચે અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલી ખેંચતાણનો અંત લાવવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે સંગઠન ક્ષમતા અને ચૂંટણી મેનેજમેન્ટે તેમને આ પદની દોડમાં આગળ કરી દીધા છે.

ચૂંટણી પહેલા તેઓ લાંબા સમય સુધી બિહારમાં રહ્યા હતા. એક તરફ જ્યાં તેમણે બળવાખોરો નેતાઓને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે મનાવ્યા હતા, તો બીજી તરફ પક્ષના કાર્યકર્તાઓને પણ મજબૂત કરવામાં સફળતા હાંસલ કરી હતી.

અહેવાલોમાં કરવામાં આવેલા દાવા અનુસાર, પક્ષના સૂત્રો જણાવે છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે બિહારની ચૂંટણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જોડીને મજબૂતી આપી છે, જેના પર લોકસભા ચૂંટણી દરમિયાન મળેલા આંચકાને કારણે અસર પડી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં એક કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે, ‘મોદીજી હવે આરએસએસને મનાવવામાં સફળ થઈ શકે છે કે ભાજપના અધ્યક્ષ તેમની પસંદગીના હોય.'”

જુલાઇ પહેલા આ રેસમાં કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવનું નામ આગળ ચાલી રહ્યું હતું. અહેવાલો અનુસાર, જ્યારે ભાજપે ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનના નામનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે RSS એ મંજૂરી આપતા પહેલા પરામર્શની જરૂરિયાત જણાવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને ભાજપને બીજુ જનતા દળથી અલગ થઈને ઓડિશા વિધાનસભા ચૂંટણી લડવા માટે મનાવ્યો હોવાનું કહેવાય છે, જેના કારણે રાજ્યમાં ભાજપનો સફળ વિજય થયો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button