પાંચ પેઢીથી આગ્રામાં આ મુસ્લિમ પરિવાર બનાવે છે રાવણનું પૂતળું…
આગ્રા: મથુરાના રહેવાસી 62 વર્ષીય ઝફર અલી ભગવાન શ્રી રામને પોતાના આરાધ્ય દેવ માને છે. અને તેમને ભગવાન શ્રી રામમાં ઊંડી શ્રદ્ધા છે. બાળપણમાં જફર અલી તેમના પિતા સાથે રામલીલા જોવા જતા હતા. તે સમયે તેમના પિતા રામલીલામાં મેઘનાદ, કુંભકરણ અને રાવણના પૂતળા બનાવતા હતા. તેમના પરિવારના સભ્યો પેઢીઓથી આ કામ કરતા આવ્યા છે. ધીરે ધીરે તે પોતે પણ આ કામ પણ શીખી ગયા અને હવે છેલ્લા 63 વર્ષથી તે આગ્રાની ઐતિહાસિક રામલીલામાં રાવણ, કુંભકરણ, મેઘનાદ અને શૂર્પણખાના પૂતળા બનાવી રહ્યા છે.
ઝફર અલી કહે છે કે તેમના કામમાં ધર્મ ક્યારેય આડે આવ્યો નથી. પાંચ પેઢીઓથી તેમના પૂર્વજો અને તેઓ ભગવાન શ્રી રામના કાર્યમાં રોકાયેલા છે. આ વખતે આગ્રાની ઐતિહાસિક રામલીલામાં 110 ફૂટનો રાવણ બનાવવામાં આવશે, જે ન માત્ર મોં ખોલશે પરંતુ તેની એક આંખ બંધ કરશે અને મોંમાંથી આગ પણ કાઢશે. 24 ઓક્ટોબરે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ પોતાના બાણથી તેમને બનાવેલા દશાનનનો વધ કરશે.
ઝફર અલી ખાનના કહે છે કે આ અમારું સૌભાગ્ય છે કે અમે આ રામલીલાનો હિસ્સો છીએ. જ્યાં સુધી અમે રામલીલાના કાર્ય માટે આગ્રામાં રહીએ છીએ ત્યાં સુધી અમે શાકાહારી ખોરાક જ ખાઇએ છીએ. અમારી આવનારી પેઢી પણ પ્રભુ રામના કામ માટે તૈયાર થઈ રહી છે. તેઓ કહે છે કે કામ પૂજા છે. તેમની સેવા કરવાનો મોકો મળે છે. તેમના માટે આનાથી વધુ સારું બીજું કંઈ ન હોઈ શકે.
ઝફર અલી ખાને જણાવ્યું હતું કે રાવણ, કુંભકરણ અને મેઘનાદના પૂતળા બનાવવા માટે લગભગ એકથી દોઢ મહિનાની મહેનત લાગે છે. આ કામ 6 થી 7 લોકો મળીને કરે છે. આ પૂતળાઓ તૈયાર કરવા માટે દિવસ-રાત જાગવું પડે છે. અને તેમની એક મહિનાની મહેનત માત્ર એક કલાકમાં બળીને ખાખ થઇ જાય છે.
ઉત્તર ભારતની સૌથી ઐતિહાસિક રામલીલા આગ્રાના રામલીલા મેદાનમાં કરવામાં આવે છે. આ રામલીલા લગભગ એક મહિના સુધી ચાલે છે. 24 ઓક્ટોબરે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ દશાનનનો વધ કરશે. તેના પ્રતીક તરીકે રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળાઓનું દહન કરવામાં આવે છે. દરવર્ષે રામલીલામાં રાવણના પૂતળાની ઊંચાઈ થોડી થોડી વધતી જાય છે. ગયા વર્ષે રાવણના પૂતળાની ઊંચાઈ 100 ફૂટ હતી જે આ વર્ષે 110 ફૂટ છે. આ પૂતળાઓમાં ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી પર્યાવરણને કોઇ નુકસાન પહોંચે નહી.