કોંગ્રેસની આ ભૂલે હરિયાણામાં ભાજપ સરકારને જીવનદાન આપ્યું….
ચંડીગઢ : હરિયાણાના નવનિયુક્ત મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની (Nayab Singh Saini) સરકાર હાલ બહુમતના આકડાથી થોડી દૂર છે. તેમ છતાં સરકારને માટે આ કાઇ ખાસ ચિંતાનો વિષય નથી. બે અપક્ષ વિધાસભ્યોએ પોતાનો ટેકો પરત ખેંચી લેતા હરિયાણામાં રાજકીય સમીકરણો વિખેરાઈ ગયા હતા. ભાજપ સરકાર હવે બહુમતના આકડાથી બે બેઠકો દૂર છે. તેમ છતાં હરિયાણામાં કોંગ્રેસને કોઈ ફાયદો થઈ શકે તેમ નથી. તેની પાછળ કોંગ્રેસે જ કરેલી ભૂલ એક મહત્વપૂર્ણ કારણ છે.
લોકસભા અને આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને હરિયાણામાં રાજકીય વંટોળો ઉઠયા હતા. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને કુરુક્ષેત્રના સાંસદ નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ભાજપે આ નિર્ણય ત્યારે લેવો પડ્યો હતો કે જ્યારે દુષ્યંત ચોટાલાની આગેવાનીવાળી જનનાયક જનતા પાર્ટીએ સરકારમાંથી તેમનો ટેકો પરત ખેંચી લીધો હતો.
હરિયાણામાં ભાજપ સરકાર અપક્ષોની મદદથી સરકાર બનાવવામાં સફળ રહી હતી. હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે, જેમાંથી 2 બેઠકો ખાલી પડી છે. આથી 88 બેઠકોમાં જ બહુમત સાબિત કરવાનો હતો. હાલમાં હરિયાણા વિધાનસભામાં ભાજપ પાસે કુલ 40 બેઠકો છે, કોંગ્રેસ પાસે 30 બેઠકો બેઠકો છે, 10 બેઠકો જન નાયક જનતા પાર્ટી પાસે છે જ્યારે 6 બેઠકો અપક્ષ પાસે છે. હરિયાણા લોકહીત પાર્ટી અને ઇંડિયન નેશનલ લોકદળ પાસે 1-1 બેઠકો છે.
વિધાનસભાની વર્તમાન સ્થિતિને જોતાં બહુમતી સાબિત કરવા ભાજપ પાસે કુલ 45 સભ્યોનું સમર્થન જોઈએ છે. જ્યારે ભાજપ, હરિયાણા લોકહીત પાર્ટી અને 2 અપક્ષ વિધાનસભ્યનું સમર્થન છે. તેમ છતાં હજુ 2 સભ્યોના ટેકાની જરૂર છે. સરકાર પાસે હાલમાં સ્પષ્ટ બહુમત ન હોવા છતાં સરકાર સામે કોઈ મોટો પ્રશ્ન નથી, કારણ કે કોંગ્રેસની એક ભૂલના લીધે ભાજપ સરકારને કોઈ ઉની આંચ આવે તેમ નથી.
હરિયાણામાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે 22 ફેબ્રુઆરીના રોજ જ મનોહરસિંહ ખટ્ટરની સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી, ત્યારબાદ 12 માર્ચે મનોહરસિંહે રાજીનામું આપ્યું હતું. જે બાદ સત્તાપક્ષે ગૃહમાં બહુમત ગુમાવ્યો હતો. પરંતુ હવે અવિશ્વાસ પ્રસ્તાવના 6 મહિના સુધી નવો અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી, આથી આગામી 22 ઓગષ્ટ સુધી વિધાનસભામાં નવો અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય તેમ નથી. અને જો 22 ઓગષ્ટ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તો પણ સરકાર વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત કરી શકે છે