સ્મરણાંજલિઃ આ કારણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો
આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીનો જન્મદિવસ છે. તેમની પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ તેમના પર લખેલા પુસ્તકની ચર્ચાઓ ચાલી રહી છે અને આજથી તે લોકો વાંચી શકશે આથી વધારે ચર્ચા થશે, પરંતુ તેમના જીવનના ઘણા પાસાં છે જે જાણવા જેવા છે.
પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ બંગાળના બીરભૂમ જિલ્લાના મિરાટી ગામમાં એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કામદા કિંકર મુખર્જી અને માતાનું નામ રાજલક્ષ્મી મુખર્જી હતું.
22 જુલાઈ 2012 ના રોજ પ્રણવ મુખર્જી ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમણે એનડીએના ઉમેદવાર પીએ સંગમાને હરાવ્યા હતા. આ પહેલા તેઓ યુપીએ સરકારમાં નાણા, સંરક્ષણ અને વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે લગભગ પાંચ દાયકા સુધી રાજકારણમા સક્રિય ભૂમિકા નભાવી. આરએસએસના કાર્યક્રમને સંબોધિત કરનાર તેઓ પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ હતા.
પ્રણવ મુખર્જીએ બીરભૂમની સુરી વિદ્યાસાગર કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. આ કોલેજ તે સમયે કલકત્તા યુનિવર્સિટીનો એક ભાગ હતી. બાદમાં તેમણે પોલિટિકલ સાયન્સ અને ઈતિહાસમાં એમએની ડિગ્રી મેળવી. તેમની પાસે એલએલબીની ડિગ્રી પણ હતી.
તેમના લગ્ન 13 જુલાઈ 1957ના રોજ સુવરા મુખર્જી સાથે થયા હતા. પ્રણવ મુખર્જીએ તેમની રાજકીય કારકિર્દી 1967માં બાંગ્લા કોંગ્રેસના સ્થાપક સભ્ય તરીકે શરૂ કરી હતી. તેમણે કોંગ્રેસ સામે સંયુક્ત મોરચો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રચાર દરમિયાન તેમનો જોશ જોઈ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને કૉગ્રેસમાં સ્થાન આપ્યું અને તે બાદ તેમની કારકિર્દી આગળ વધી. જોકે ઈન્દિરા ગાંધીના નિધન બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી દેશના વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે મુખરજીને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું ન હતું. આ કારણોથી નારાજ થઈ તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી પોતાનો પક્ષ ઊભો કર્યો હતો, પરંતુ નરસિમ્હા રાવે વડા પ્રધાન બન્યા બાદ પ્રણવને ફરી કૉંગ્રેસમાં લીધા. જે સમયે ડૉ. મનમોહન સિંહને વડા પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે પણ પ્રણવ મુખરજીનું નામ ચર્ચાતું હતું, પરંતુ તેમને આ પદ ન મળ્યું. જોકે તે બાદ તેઓ દેશના 12માં રાષ્ટ્રપતિ બન્યા. 31મી ઑગસ્ટ, 2020ના રોજ તેમનું નિધન થયું.
તેમના જન્મદિવસે તેમને પુષ્પાંજલિ.