આ વિકસિત ભારતનું પ્રતિબિંબ છે: મોદી
મહારાષ્ટ્રમાં વિકાસના અષ્ટકનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કર્યું
ઉદ્ઘાટન: નવી મુબઈમાં નવા જ બનાવાયેલા ‘અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ’નું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. (એજન્સી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક શિવડી ન્હાવા-શેવા અટલ સેતુનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે દેશના સૌથી મોટા સાગરી સેતુ તરીકેની ખ્યાતિ મેળવેલા સેતુની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરતાં કૉંગ્રેસના કાળમાં બાંધવામાં આવેલા બાંદ્રા-વરલી સી-લિંક સાથે તેની સરખામણી કરી હતી અને કૉંગ્રેસની ટીકા પણ કરી હતી.
વડા પ્રધાને મહારાષ્ટ્રની મુલાકાત વખતે વિકાસના અષ્ટકનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કર્યું હતું. કુુલ ૩૦,૫૦૦ કરોડના આઠ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કર્યું હતું. તેમણે ભૂમિપૂજન કરેલા પ્રોજેક્ટમાં ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઈવ અંડર-ગ્રાઉન્ડ માર્ગનો પણ સમાવેશ થાય છે, જેને કારણે ચર્ચગેટ, કોલાબા, નરીમાન પોઈન્ટ અને મરીન ડ્રાઈવ પરના ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે. આ ઉપરાંત વસઈ-વિરાર માટે સૂર્યા યોજનાનું લોકાર્પણ, નમો નારી સન્માન, મુખ્ય પ્રધાન મહિલા સશક્તિકરણ લેક લાડકી યોજના, શિવડી-ન્હાવા શેવા સી-લિંક, નવી મુંબઈ મેટ્રો, ખારકોપર-ઉરણ લોકલ ટ્રેન, દિઘા ગાંવ રેલવે સ્ટેશન અને ખારથી ગોરેગાંવ વચ્ચે રેલવેની છઠી લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજે દુનિયાનો સૌથી વિશાળ અટલ સેતુ દેશને મળ્યો છે. અમારા સંકલ્પનું આ પ્રમાણ છે. ભારતના વિકાસ માટે અમે સાગરની સાથે પણ મુકાબલો કરી શકીએ છીએ. મોજાં સામે લડી શકીએ છીએ. આજના કાર્યક્રમનો સંકલ્પમાંથી સિદ્ધિનું પરિમાણ છે. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૬ના દિવસને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તે દિવસે હું અટલ સેતુના ભૂમિપૂજન માટે આવ્યો હતો. ત્યારે મેં છત્રપતિ શિવાજી મહારાજને નમન કરીને કહ્યું હતું કે લખીને રાખો કે દેશ બદલાશે અને દેશ આગળ વધશે.
જે વ્યવસ્થામાં વર્ષાનુવર્ષ કામ રોકી રાખવાની આદત પડી હતી, જેને કારણે લોકોને કોઈ આશા રહી નહોતી. લોકોને લાગતું હતું કે તેમના જીવનકાળ દરમિયાન કોઈપણ મોટા પ્રોજેક્ટ પૂરા થાય એની ગેરેન્ટી નથી. તેથી જ મેં કહ્યું હતું કે લખીને રાખો કે દેશ બદલાશે અને ચોક્કસ બદલાશે. ત્યારે મોદીની ગેરેન્ટી હતી. આજે હું છત્રપતિ શિવાજી મહારાજને ફરી એક વખત નમન કરતાં મુંબા દેવી, સિદ્ધિવિનાયકને પ્રણામ કરીને અટલ સેતુ મુંબઈગરાને સમર્પિત કરું છું. કોરોનાના મહાસંકટમાં પણ મુંબઈ ટ્રાન્સ-હાર્બરનું કામ પૂર્ણ થયું તે મોટી વાત છે. ભૂમિપૂજન અને લોકાર્પણ એક દિવસનું કામ નથી હોતું. એક-એક ઈંટથી ઈમારત બનતી હોય છે, એમ તેમણે કહ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી મુંબઈ ટ્રાન્સહાર્બર લિંકની ચર્ચા થઈ રહી છે. અટલ સેતુના ફોટા જોઈને દરેકને ગર્વ થઈ રહ્યો છે. આ ફોટા મંત્રમુગ્ધ કરનારા છે. આ સેતુના બાંધકામ માટે જેટલા વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા થઈ શકે. ચાર હાવડા બ્રિજ, છ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી તૈયાર થઈ શકે એટલું બાંધકામ સાહિત્ય આ સેતુ માટે વાપરવામાં આવ્યું છે.
૨૦૧૪માં મને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી તેના પહેલાં હું રાયગઢના કિલ્લા પર ગયો હતો. છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પાસે હું થોડી ક્ષણો બેઠો હતો. આજે તે વાતને ૧૦ વર્ષ થઈ ગયા છે. આ ૧૦ વર્ષમાં તમારા સપનાને સાકાર થતા જોયા છે. અટલ સેતુ આ ભાવનાનું પ્રતિબિંબ છે. યુવાનો નવો વિશ્ર્વાસ લઈને આવ્યા છે. તેમનો ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો અટલ સેતુ જેવા રસ્તા પરથી જશે. વિકસિત ભારતમાં ગતિ અને પ્રગતિ થશે. વિકસિત ભારતમાં અંતર ઘટશે. દેશનો ખૂણે ખૂણો જોડાશે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષ પહેલાના ભારતની યાદ આવે છે ત્યારે હજારો-લાખો કરોડ રૂપિયાનાં કૌભાંડોની ચર્ચા થઈ રહી હતી, હવે કરોડોના પ્રોજેક્ટ પૂરા થયાની ચર્ચા થઈ રહી છે. સુશાસનનો આ સંકલ્પ આખા દેશમાં જોવા મળી રહ્યો છે. અટલ ટનલ અને ચિનાબના બ્રિજની ચર્ચા થાય છે. એક પછી એક તૈયાર થઈ રહેલા મહામાર્ગની ચર્ચા થઈ રહી છે. ઈસ્ટર્ન, વેસ્ટર્ન, વેસ્ટ કોરિડોર રેલવેની પ્રતિમા બદલનારા પ્રોજેક્ટ છે. વંદેભારત, નમો ભારત, અમૃત ભારતને કારણે સામાન્ય માણસોનું જીવન સુધર્યું છે. આજે દેશના દરેક ખૂણે એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ અનેક મેગા-પ્રોજેક્ટ પૂરા થઈ રહ્યા છે.
અગાઉની કૉંગ્રેસ સરકારની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે બાંદ્રા-વરલી સી-લિંક અટલ સેતુ કરતાં ચારથી પાંચ ગણો નાનો છે. તેને બાંધવામાં ૧૦ વર્ષ લાગ્યા હતા. તેનું બજેટ પણ ચારથી પાંચ ગણું વધી ગયું હતું. આ સેતુના નિર્માણમાં ૧૭,૦૦૦ કામગાર અને ૧૫૦૦ એન્જિનિયરોને સીધો રોજગાર મળ્યો હતો.
મોદીએ શિંજો આબેને યાદ કર્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સી-લિંકના લોકાર્પણ વખતે જાપાનના દિવંગત રાષ્ટ્રપ્રમુખ શિંજો આબેને યાદ કરતાં કહ્યું હતું કે આજે મને મારા મિત્ર સ્વ. આબેની યાદ આવી રહી છે. કેમ કે આ બ્રિજનું કામ પૂર્ણ કરવાનો સંકલ્પ અમે બંનેએ સાથે કર્યો હતો. અટલ સેતુ ભારતની આ ઈચ્છાઓનો જયઘોષ છે જે ૨૦૧૪માં આખા દેશે વ્યક્ત કરી હતી.