વેનેઝુએલા પર અમેરિકાના નિયંત્રણથી ભારતને આ રીતે થઈ શકે છે ફાયદો…

નવી દિલ્હી : અમેરિકાએ વેનેઝુએલા પર હવાઈ હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે. તેમજ હવે આ દેશ અમેરિકાના નિયંત્રણ હેઠળ છે.તેમજ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ત્યાં સ્થિરતા નહી આવે ત્યાં સુધી નિયંત્રણ રાખશે. અમેરિકાના નિયંત્રણ અને વેનેઝુએલાના તેલ સંગ્રહ ક્ષેત્રના પુનર્ગઠનનો ભારતને સીધો ફાયદો થઈ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતને આશરે એક અરબ ડોલરની બાકી રકમની વસૂલાત થઈ શકે છે.
ઓએનજીસી વિદેશ લિમિટેડનું સંયુક્ત રીતે સંચાલન
આ અંગે મળતી માહિતી મુજબ ભારત એક સમયે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલનો મોટો આયાતકાર હતો. ભારત દર વર્ષે 400,000 બેરલથી વધુ ક્રુડ ઓઈલ આયાત કરતું હતું. જોકે વર્ષ 2020 માં અમેરિકાના પ્રતિબંધોના લીધે આયાત ઘટી હતી. તેમજ વેનેઝુએલામાં સાન ક્રિસ્ટોબલ તેલ ક્ષેત્રનું ઓએનજીસી વિદેશ લિમિટેડ સંયુક્ત રીતે સંચાલન કરે છે. અમેરિકાના પ્રતિબંધોના લીધે જરૂરી ટેકનોલોજી, સાધનો અને સેવાઓની પહોંચમાં અવરોધ ઊભો કર્યો જેના કારણે ઉત્પાદન પર અસર પડી.

ઉત્પાદન ઘટીને માત્ર 5,000 થી 10,000 બેરલ પ્રતિ દિવસ
આ ઉપરાંત વેનેઝુએલાની સરકારે હજુ સુધી ઓએનજીસી વિદેશ લિમિટેડનો પ્રોજેક્ટમાંના 40 ટકા હિસ્સા પર 2014 સુધી ચૂકવવાપાત્ર 53 કરોડ ડોલરનું ડિવિડન્ડ ચૂકવ્યું નથી.જે ઓડિટ મંજૂરીના અભાવે ચૂકવી શકાયું નથી. નિષ્ણાતોના મતે જો અમેરિકા ત્યાંના તેલ ભંડારનો કબજો લે છે, તો પ્રતિબંધો હળવા થઈ શકે છે. આ પછી ઓએનજીસી વિદેશ ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી રિગ અને અન્ય સાધનો મોકલીને ઉત્પાદન વધારી શકે છે. હાલમાં ક્રુડ ઓઈલ ઉત્પાદન ઘટીને માત્ર 5,000 થી 10,000 બેરલ પ્રતિ દિવસ થયું છે.
આ પણ વાંચો…યુએસથી નિકોલસ માદુરોનો પહેલો વિડીયો: પત્ની સાથે ફેડરલ કસ્ટડીમાં કેદ
ક્રુડ ઓઈલ ઉત્પાદન 80,000 થી 100,000 બેરલ પ્રતિ દિવસ સુધી વધારી શકાય
તેમજ આ અંગે અધિકારીઓનો અંદાજ છે કે અદ્યતન ઉપકરણો અને વધારાના તેલ કુવાઓનો ઉપયોગ કરીને ઉત્પાદન 80,000 થી 100,000 બેરલ પ્રતિ દિવસ સુધી વધારી શકાય છે. ઓએનજીસી પાસે પહેલાથી જ આ માટે જરૂરી રિગ્સ છે. યુએસ નિયંત્રણોનો અર્થ એ પણ છે કે વૈશ્વિક બજારમાં વેનેઝુએલાની નિકાસ ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે, જે ઓએનજીસી વિદેશ ને તેના ભૂતકાળના લેણાં વસૂલવામાં મદદ કરશે. ઓએનજીસી વિદેશ એ અગાઉ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ પાસેથી ખાસ લાઇસન્સ હેઠળ પ્રતિબંધોમાં રાહત માંગી હતી.



