‘આ હૃદય ધબકતું બંધ નહિ થાય..’- 26 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા મામલે સુપ્રીમનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક ચુકાદામાં 26 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી હતી. ગત શુક્રવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મામલે AIIMSને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ આજે રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ગર્ભવતી માતાના ડિપ્રેશનની બાળક પર અસર પડી નથી. માતા ડિપ્રેશનની સારવાર માટે જે ગોળીઓ લઇ રહી હતી તેનાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થયું નથી અને તે એકદમ તંદુરસ્ત છે. આથી CJI ચંદ્રચૂડે ગર્ભપાતની અરજી સંપૂર્ણપણે ફગાવી દેતા ચુકાદો આપ્યો છે કે બાળક સ્વસ્થ હોય તેવી સ્થિતિમાં ગર્ભપાતનો આદેશ આપી શકાય નહિ. આથી હવે પરિણીતાની ડિલીવરી AIIMSના ડોક્ટરો જ કરાવશે.
સુપ્રીમ કોર્ટે સરકારને પણ આદેશ આપ્યો હતો કે પ્રસવ પ્રક્રિયા ઉપરાંત જો કોઇ માતાપિતા આ બાળકને દત્તક લેવા માગતું હોય તો તેમાં પણ સરકારે મદદ કરવી પડશે. આમ આ બાળકનું ધ્યાન સરકાર રાખશે.
ગત 13 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે AIIMSને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ કર્યો હતો કે ગર્ભમાંનું બાળક કોઇ વિકૃતિ તો ધરાવતું નથી, શું એવા કોઇ પુરાવા છે જેના પરથી પરિણીતાની માનસિક બિમારીની દવાઓથી ગર્ભ પર અસર પડી રહ્યો હોય. આ પહેલા, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગર્ભમાં રહેલા બાળકને મારી શકાય નહિ. એક અજાત બાળકના અધિકારો અને તેના સ્વાસ્થ્ય અને તેની માતાની નિર્ણય લેવાની સ્વાયત્તતા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂર છે.