વન્દે ભારત બાદ દેશની આ જાણીતી ટ્રેન ઉપર પણ પથ્થરમારો કરાયો, પોલીસ પ્રશાસન હરકતમાં

પટણા: ભારતની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર મારો કરવાની અનેક ઘટનાઓ બન્યા પછી તાજેતરમાં દેશની શાન રાજધાની એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરી રહ્યા છે, જેમાં આ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની છે.
બિહારના સમસ્તીપુરમાં અસામાજિક તત્વોએ દિબ્રુગઢથી આવતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા હતા. રાજધાની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકવા અંગે આરપીએફની ટીમે ચાર લોકોની અટકાયત કરી છે.
પથ્થરમારાની આ ઘટના દિબ્રુગઢથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૫૦૩) જ્યારે સોમવારે સાંજે લગભગ 6.25 વાગ્યે સમસ્તીપુર સ્ટેશનની પાસે પહોંચી ત્યારે ત્યાં ઊભા રહેલા યુવકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક મુસાફરોને ઇજા થઈ થતાં તેઓ ઘાયલ થયા અને એક મુસાફરને માથામાં ગંભીર ઈજા થઈ હતી. માથા પર ગંભીર ઇજા થનાર મુસાફરની ઓળખ સંતોષ ક્ષેત્રી તરીકે કરવામાં આવી છે. આરપીએફ અધિકારીએ જણાવ્યુ હતું કે મેડિકલ ટીમે ટ્રેનની અંદર જઈને અનેક મુસાફરોને સારવાર આપી હતી.
પોલીસની માહિતી મુજબ ઘાયલ થએલા સંતોષ ક્ષેત્રી ટ્રેનના ૬૬ નંબરની સીટ પર મુસાફરી કરી રહ્યા હતા. પથ્થરમારમાં ઘાયલ લોકોની સારવાર કરવા રાજધાની એક્સપ્રેસ 19 મિનિટ સુધી સ્ટેશન નજીક ઊભી રાખવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને જાણી આરપીએફએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ મામલે ચાર શંકાસ્પદ આરોપી (પથ્થરબાજો)ની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓની રેલવેના હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરી તેમની પૂછપરછ ચાલી રહી છે.