
દક્ષિણી ફિલ્મોના સુપર સ્ટાર ગણાતા અભિનેતા રજનીકાંતને કોઇ પરિચયની જરૂર નથી. હાલમાં રજનીકાંત તેમની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરની સફળતાનો આનંદ માણી રહ્યા છે જેમાં તેમણે 72 વર્ષની ઉંમરે પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. અભિનેતાની આ ફિલ્મે 600 કરોડ રૂપિયાથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. હાલમાં તેઓએ ઘણી જાણીતી હસ્તીઓને મુલાકાત કરી હતી. રજનીકાંત તાજેતરમાં અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથને મળ્યા હતા. હવે તેઓ મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમને મળ્યા છે અને આ મુલાકાતની તસવીર પણ વાયરલ થઈ રહી છે.
સુપરસ્ટાર રજનીકાંતની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ પણ રજનીકાંતના ફેન છે. તાજેતરમાં જ રજનીકાંત મલેશિયાના વડા પ્રધાનના કાર્યાલયમાં જોવા મળ્યા હતા. તેમણે સફેદ શર્ટ સાથે સાદી સફેદ ધોતી પહેરી હતી. પરંપરાગત ભારતીય પોશાક પહેરવાની સુપરસ્ટારની સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ અવસર પર મલેશિયાના વડાપ્રધાન સાથે ભારતીય રાજનીતિની સાથે તમિલનાડુના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. રજનીકાંતે તેમની સાથે તેમની આગામી ફિલ્મો વિશે ચર્ચા કરી હતી. વર્ષ 2017માં રજનીકાંત મલેશિયાના તત્કાલીન વડાપ્રધાન નજીબ રઝાકને મળ્યા હતા. આ પછી ચર્ચા હતી કે રજનીકાંત મલેશિયાના પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’નું મોટાભાગનું શૂટિંગ ત્યાં જ થયું હતું.
રજનીકાંતને મળ્યા પછી, મલેશિયાના વડા પ્રધાને તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘હું ફિલ્મ અભિનેતા રજનીકાંતને મળીને ખૂબ જ ખુશ છું. મને ભારતીય ફિલ્મ સ્ટાર રજનીકાંતને મળવાની તક મળી, જે એશિયન અને આંતરરાષ્ટ્રીય કલા વિશ્વના મંચ પર જાણીતું નામ છે. હું પ્રાર્થના કરું છું કે રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું શ્રેષ્ઠ અભિનય આપતા રહે.
જેમ આપણે બધા જાણીએ છીએ, તમિલ ફિલ્મો મલેશિયામાં સારું પ્રદર્શન કરે છે. રજનીકાંતની ફિલ્મ જેલર પણ મલેશિયામાં ધૂમ મચાવી રહી છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથેની તેમની તાજેતરની સૌજન્ય મુલાકાત ફિલ્મ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.