નેશનલ

રામ મંદિરની ભવ્યતામાં વધારો કરશે 100 કરોડનું આ ફૂલ…

અયોધ્યા: અયોધ્યમાં પ્રભુ રામના મંદિરને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે મંદિરના સંકુલમાં યોગી સરકારે 100 કરોડના ખર્ચે ‘મલ્ટીમીડિયા શો ફાઉન્ટેન’ બનાવવાની ભવ્ય યોજના બનાવી છે. અંદાજે 25,000 લોકો એક સમયે એમ્ફીથિયેટર શૈલીની બેઠક વ્યવસ્થામાં આ મેગા ફાઉન્ટેનને જોઈ શકશે. ગુપ્તાર ઘાટથી નવા ઘાટ સુધી 20 એકરમાં આવેલો આ મલ્ટીમીડિયા ફાઉન્ટેન કમળના આકારનો હશે. જેમાંથી ઊડતો પાણીનો ફુવારો 50 મીટર સુધી ઊંચે સુધી જશે. આ કમળનું ફુલ એટલે કે ફાઉન્ટેન મંદિરની ભવ્યતાને વધારો કરશે.

આ ફાઉન્ટેન દ્વારા આવનારા ભક્તોને પ્રભુ રામના જીવનની ઝાંખી જોવા મળશે. આ ઉપરાંત મુલાકાતીઓ અહીં બેસીને પ્રાર્થના કરી શકશે તેમજ નિરવ શાંતિનો અનુભવ કરશે. ફુવારાની આર્કિટેક્ચરલ ડિઝાઈન કમળ જેવી જ હશે, કમળને ફુવારાની ડિઝાઇનમાં સામેલ કરવાનો હેતુ ભારતની ઓળખ અને વારસાને મજબૂત કરવાનો છે. ફાઉન્ટેનની ડિઝાઇનમાં હિંદુ ધર્મની સાત પવિત્ર નદીઓ – ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી અને કાવેરીનું પ્રતીક કરવા માટે કમળથી પ્રેરિત સાત પાંખડીઓનો સમાવેશ પણ કરવામાં આવશે. ફુવારામાં કેન્દ્રિય ફૂલની રચના એ રીતે કરવામાં આવશે કે જેમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામનું પ્રતીક જોવા મળી શકે.


ફુવારાના સાતેય પ્રવેશદ્વારો હિંદુ ધર્મની સાત પવિત્ર નદીઓનું પ્રતિક હશે અને ફુવારાની આસપાસ ઉપલબ્ધ એમ્ફીથિયેટરને મુલાકાતીઓના બેસવા માટે સાત વિભાગોમાં વહેંચવામાં આવશે. તમામ પ્રવેશદ્વારો વચ્ચેના બેઠક વિસ્તારો ભારતની દૈવી ભૂમિનું પ્રતીક છે, જેમાંથી પવિત્ર નદીઓ પસાર થાય છે. આ ફુવારો કમળના આકારની પાંખડીઓના ત્રણ સ્તરોથી બનાવવામાં આવશે. પાંખડીઓના દરેક સ્તરની ટોચ પર સ્પ્રે બનાવવામાં આવશે, જે ફુવારાને શાનદાર દેખાવ આપશે. પાંખડીઓની ધાર પર વહેતું પાણી ભક્તોના પગ પખાળશે.


આ ફુવારો રાત્રિના સમયે એકદમ મનમોહક લાગશે અને 25000 ભક્તો એક સાથે આ અવિસ્મરણીય દ્રશ્યનો લ્હાવો લઇ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button