નેશનલ

પિતાની ચિંતા યોગ્ય હોઈ શકે પણ આવું પગલું કઈ રીતે ભરી શકાયઃ એમપીનો વિચાર કરી દેતો કિસ્સો

ગ્વાલિયરઃ દરેક માતા-પિતા પોતાના યુવાન સંતાનોના ભવિષ્યની ચિંતા કરતા હોય અને તેમને લઈ સપના પણ જોતા હોય. ખાસ કરીને દીકરી મોટી થાય એટલે તેને યોગ્ય યુવક સાથે પરણાવવાનું સપનું લગભગ દરેક મા-બાપનું હોય. આજના સમયમાં ઘણા પરિવારોમાં દીકરી કે દીકરો પોતાનું પાત્ર પોતે શોધી લાવે છે અને પરિવાર રાજીખુશીથી તેને સ્વીકારે છે. જ્યારે હજુ હજારો પરિવારો એવા છે જેમના મત સંતાનના જીવનસાથીની પસંદગી તેમણે જ કરવાની હોય છે અને તેઓ ખાસ કરીને દીકરીને આવી છૂટ આપવા માગતા નથી. આથી ઘણા સંતાનો ભાગીને લગ્ન કરે છે અથવા ઘણા કેસમાં આત્મહત્યાઓ પણ થાય છે. આવો એક કેસ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બન્યો છે, જેમાં દીકરી નહીં પણ પિતાએ આત્મહત્યા કરી લીધી છે અને સ્યૂસાઈડ નોટમાં સવાલો કર્યા છે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રહેતી એક યુવતીને તેનાં પડોશમાં રહેતા યુવક જોડે પ્રેમ થયો હતો અને પરિવારની મંજૂરી ન મળતા બન્ને જણ ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધાં હતા. દીકરી પાછી તો આવી પણ તેણે કોર્ટમાં પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા પિતાને લાગી આવ્યું અને તેમણે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો: બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે

પિતાએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે…

ગ્વાલિયરમાં મેડિકલ સ્ટોર ચલાવતા ઋષિરાજ ઉર્ફે સંજુ જયસ્વાલે દીકરીના આધારકાર્ડ સાથે એક સ્યૂસાઈડ નોટ લખી છે અને તેમાં લખ્યું છે કે બેટા તે સારું નથી કર્યું. હું ઈચ્છુ તો તમને બન્નેને મારી શકું પણ હું મારી દીકરીનો જીવ કઈ રીતે લઈ લઉં. તેમણે દેશની કાનૂની વ્યવસ્થા મામલે પણ લખ્યું છે કે જે લગ્ન આર્ય સમાજ માટે માન્ય નથી તેને અદાલત કઈ રીતે મંજૂરી આપી શકે. અદાલત તેને પાર્ટનર જોડે રહેવાની મંજૂરી કઈ રીતે આપી શકે. કોઈ મારી ભાવના સમજતું નથી, તેમ પણ પિતાએ લખ્યું છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે પિતા દીકરીના અન્ય સમુદાયના યુવક જોડે લગ્નથી નાખુશ હતા અને તેથી તેમણે આ પગલું ભર્યું હોવાનું હાલમાં સમજાઈ રહ્યું છે.

પિતાની ભાવના બરાબર પણ આ પગલું યોગ્ય છે?

મા-બાપ સંતાનોનું ભલુ ઈચ્છતા હોય તે વાતથી ઈનકાર ન હોઈ શકે, પરંતુ પુખ્ત વયના સંતાનો પોતાના જીવનનો નિર્ણય લેવા સમર્થ હોય છે. વળી, આ તેમનો બંધારણીય હક છે. દરેક વખતે શક્ય નથી કે માતા-પિતાએ નક્કી કરેલા સંબંધો સફળ જ થાય. અરેન્જ્ડ મેરેજ કર્યા બાદ દુઃખી થતા અને છૂટાછેડા લેતા અનેક દીકરા-દીકરીઓ સમાજમાં છે. કોઈ યુવક દીકરી માટે યોગ્ય કે અયોગ્ય વર સાબિત થશે તે નક્કી કરવા માટે ઘણા પાસા હોય છે, માત્ર તેની જ્ઞાતિ, સમુદાય કે ધર્મના આધારે તેને નકારવો યોગ્ય નથી. આ સાથે સંતાનો પણ પ્રેમમાં આંધળુકીયું કરતા હોય છે અને તેઓ દુઃખી થાય તો માતા-પિતાને પણ દુઃખ થતું હોય છે. તેમ છતાં જો સંતાનો પોતાની ઈચ્છાથી કોઈ વ્યક્તિને પરણવા માગતા જ હોય તો માતા-પિતાએ તેમની પસંદગીને માન આપવું જોઈએ કારણ કે બંધારણ પણ આમ જ કહે છે. જો નારાજગી હોય તો પણ આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી. આ કેસમાં પોતાના લગ્નને લીધે પિતાનો જીવ ગયો અને પરિવાર વિખેરાઈ ગયો તે આઘાત દીકરીએ જિંદગીભર સહન કરવો પડશે અને સમગ્ર પરિવારનું જીવન આ ઘટના બાદ દોહ્યલું થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button