ઉદાસી, ઊંઘ ન આવવા જેવા આ લક્ષણો છે ડિપ્રેશનના સંકેત
સ્વસ્થ જીવન જીવવા માટે શારિરીક ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. દરેકના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે, તે લોકોથી ઘેરાયેલા હોવા છતાં એકલતા અનુભવે છે. ઘણી વખત લોકો નિષ્ફળતા, સંઘર્ષ, વિશ્વાસઘાત અથવા તો કોઈ પ્રિયજનને ગુમાવવાને કારણે દુઃખી થાય છે. એક વિચિત્ર ઉદાસી અને નિરાશા તેમને ઘેરી વળે છે. તેઓ કંઈપણ પસંદ કરવાનું બંધ કરે છે. તેઓ કોઈ પણ બાબતમાં તેમના હૃદયથી આનંદ અનુભવી શકતા નથી. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો શક્ય છે કે તમે ડિપ્રેશનનો શિકાર છો. ડિપ્રેશન એ એક માનસિક રોગ છે.
મોટાભાગના લોકો સમયસર આનો અંદાજ લગાવી શકતા નથી. જો કે, તેની સમયસર સારવાર જરૂરી છે. ચાલો જાણીએ કે ડિપ્રેશનના પ્રારંભિક લક્ષણો શું છે.
હંમેશા ઉદાસ રહેવુઃ-
ડિપ્રેશનનું પ્રથમ લક્ષણ ઉદાસી છે. જો તમે બે કે તેથી વધુ અઠવાડિયાથી લગભગ દરરોજ ઉદાસી અનુભવો છો. જો તમે ખાલીપો અનુભવો છો અથવા ખરાબ મૂડમાં છો, તો આ ડિપ્રેશનના પ્રારંભિક લક્ષણોમાંનું એક હોઈ શકે છે.
ઊંઘ ઓછી આવે છેઃ-
તમારી ઊંઘની પેટર્ન પણ ડિપ્રેશન તરફ નિર્દેશ કરે છે. જો તમે અનિદ્રાથી પીડિત છો અથવા તેનાથી વિપરીત, તમે ખૂબ જ ઊંઘી રહ્યા છો, તો આ સામાન્ય નથી. ઊંઘની પેટર્નમાં આ ફેરફાર ડિપ્રેશનનું કારણ બની શકે છે.
હંમેશા થાક લાગે છેઃ-
ડિપ્રેશન તમારી ઊર્જાને ‘ડ્રેન કરે છે’, ખાસ કરીને ક્લિનિકલ ડિપ્રેશન. જો તમે હતાશ છો, તો તમને હંમેશા ઊર્જાનો અભાવ લાગશે. તમે હંમેશા થાકેલા રહેશો. કેટલીકવાર તમને તમારા રોજિંદા કાર્યો કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
કોઈપણ કામમાં રસ ન હોવોઃ-
જ્યારે તમે હતાશ હોવ ત્યારે તમને કંઈ કરવાનું મન થતું નથી. તમે જે કામ અથવા પ્રવૃત્તિઓનો આનંદ માણતા હતા, તેમાં પણ તમે રસ ગુમાવો છો. તમને કોઈને મળવું, મિત્રો સાથે બહાર જવું, રમવું વગેરે ગમતું નથી. આ ડિપ્રેશનનું ગંભીર લક્ષણ છે.
અપરાધની લાગણીઃ-
ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ દરેક ખોટા કાર્યો કે પરિણામ માટે પોતાને જવાબદાર માનવા લાગે છે. તે અપરાધથી પીડિત બને છે. તેને અહેસાસ થવા લાગે છે કે જે કંઈ ખોટું થયું છે તેનું કારણ તે જ છે.
ભૂખની પેટર્નમા ફેરફારઃ-
તમારી ભૂખ પેટર્નમાં ફેરફાર પણ હતાશા સૂચવે છે. જો તમને અચાનક ખૂબ ભૂખ લાગવા લાગે અથવા તમારી ભૂખ અચાનક ઓછી થઈ જાય તો આ બંને સ્થિતિ ડિપ્રેશનના સંકેતો છે. ડિપ્રેશનને કારણે તમારું વજન કાં તો વધી શકે છે અથવા ઘટી શકે છે.
નિર્ણય લેવામાં મુશ્કેલીઃ-
ડિપ્રેશનના કારણે લોકોને તેમના નિર્ણય લેવામાં મુશ્કેલી થવા લાગે છે. તેઓ કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તેથી તેઓ નિર્ણય લેવામાં પણ ડરે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમારે તેની સારવાર લેવી જરૂરી છે.
Also Read – ફોકસ ઃ કૅવિટી પણ બની શકે છે કૅન્સરનું કારણ
આ શારીરિક લક્ષણો જોવા મળે છેઃ-
જ્યારે પણ કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે ત્યારે તેનું મગજ તેમજ તેના શારીરિક લક્ષણો તે સૂચવે છે. ડિપ્રેશનથી પીડિત મોટાભાગના લોકો માથાનો દુખાવો, પેટમાં દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓથી પીડાતા જોવા મળે છે.