માત્ર ભારત જ નહીં વિશ્વના આટલા ભાગોમાં ઉજવાય છે પ્રકાશપર્વ
ભુજઃ ભારતમાં દીપોત્સવી મહાપર્વનું મહત્વ કેટલું છે, તે કહેવાની કોઈ જરૂર નથી, પણ મહત્વની બાબત એ છે કે, ભારતનો આ તહેવાર વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના વધતા જતા મહત્વને કારણે ગ્લોબલ બન્યો છે. દિવાળી માત્ર ભારતમાં જ ઉજવાય છે, અને ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીની વહેલી પરોઢિયે થતી અલૌકિક મંગળા આરતી માત્ર ભુજમાં જ થાય છે તેવું નથી,પણ વેસ્ટ ઇન્ડીઝના ટ્રીનીદાદથી માંડીને લંડનની થેમ્સ નદી ઉપરાંત દક્ષિણ આફ્રિકા, જાપાન, તેમજ પાકિસ્તાન અને ઈરાન જેવા ઇસ્લામિક દેશોમાં પણ દીપોત્સવી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. દુબઈ-અબુધાબીમાં પણ આ પર્વ ખૂબ જ ઝાકમઝોળ સાથે ઉજવાય છે.
જે દેશોમાં હિન્દુઓની વસ્તી વધુ હોય છે તેવા દેશોમાં દિવાળી ઉજવાય તે વાત સમજી શકાય છે, પણ અન્ય દેશોમાં પણ આ તહેવાર ઉજવાય તે બાબત, રાજા રામની અયોધ્યા વાપસીનાં ઉજવાતા પ્રકાશ પર્વના મહત્વને દર્શાવે છે.
હિમાલયની ગોદમાળામાં આવેલા નેપાળ,ભૂટાન,મોરેશિયસ,મલેશિયા,જાપાન,મ્યાનમાર,સિંગાપોર,બ્રિટન,શ્રીલંકા,થાઈલેન્ડ,દક્ષિણ આફ્રિકા,વેસ્ટ ઇન્ડીઝના ગુયાનાં ટ્રીનીદાદ,પોર્ટ ઓફ સ્પેન,ઓસ્ટ્રેલિયા,ફિજી,સિંગાપોર,હોંગકોંગ,અમેરિકા,પાકિસ્તાન, ઈરાન,ફિનલેન્ડ,રશિયા જેવા દેશોમાં પણ દીપોત્સવી પર્વ ઉજવાય છે.
સૌથી વિશિષ્ઠ દિવાળી જ્વાળામુખીઓના મુલક સમા જાપાનમાં પણ ઉજવાય છે. લોકો પોતપોતાના ઘરોની સફાઈ કરે છે અને દીપમાળા કરે છે તે સામાન્ય બાબત છે પણ દિવાળીના દિવસે જાપાનના લોકો ઘરની બહાર રહે છે, અને બાદ-બગીચાઓમાં ફાનસ સળગાવી, કાગળના તોરણો ગોઠવે છે અને બોટિંગની મઝા માણે છે.
Also Read – આજે રમા એકાદશીઃ દિવાળીના તહેવારોની થઈ ગઈ શરૂઆત
નૃત્યો પણ કરે છે. નેપાળમાં દિવાળીને ‘તિહાર’તરીકે ઉજવાય છે. પાંચ દિવસ સુધી નેપાળી પ્રજા દીપોત્સવી પર્વ મનાવે છે. જે પૈકી પ્રથમ દિવસ ગાયમાતાને સમર્પિત હોય છે,જ્યારે બીજો દિવસ કાળ ભૈરવના વાહન સમા કુતરાઓ માટે અનામત છે જયારે ત્રીજા દિવસે દિવાળીનું મહાપર્વ ઉજવાય છે, ચોથા દિવસે યમરાજનું પૂજન કરાય છે તેમજ નવું વર્ષ અને ભાઈબીજ પણ રંગેચંગે ઉજવાય છે.
મલેશિયામાં પણ દિવાળીને ‘હરી દિવાળી’તરીકે ઉજવવામાં આવે છે,તો પાડોશી દેશ પાકિસ્તાનના ઇસ્લામાબાદ, કરાંચી,બલુચીસ્તાન જેવા વિસ્તારોમાંના કેટલાંક હિંદુ મંદિરો દ્વારા દિવાળીના તહેવારોની ઉજવણીના કાર્યક્રમો યોજાય છે જેમાં પ્રખ્યાત હિંગલાજ માતાજીના સ્થાનકે મહાઆરતીનો સમાવેશ થાય છે.