ગુજરાતમાં દારૂબંધીમાં છૂટનો કોઇ વિચાર નથી: ઋષિકેશ પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનમાં છૂટ આપવામાં આવી છે. આ મુદ્દે શનિવારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, જેમાં પક્ષ અને વિપક્ષો આમને સામને આવી ગયા છે. આ મુદ્દે રાધનપુરથી ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં કોઇપણ આવીને છાટકા બનીને ફરી નહીં શકે. કોઇપણ દારૂ પીવા અહીં આવી શકશે એવું નથી.’
બીજી બાજુ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસીઓ માટે કે ટૂરિઝમ સ્થળો પર દારૂબંધીમાં છૂટનો કોઇ વિચાર નથી. રાજ્ય કૃષિપ્રધાનના નિવેદન બાદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, અન્ય સ્થળેથી દારૂબંધી નહીં હટે. ગિફ્ટ સિટી માત્ર ગુજરાત જ નહીં દેશ માટેનું સૌથી મોટું આર્થિક હબ છે. આ આર્થિક હબ જેટલો જ વિચાર છે. અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે, ગુજરાતમાં પ્રવાસીઓ કે ટૂરિઝમ માટે આવતા સ્થળોનો કોઇ વિચાર કર્યો નથી.
એક સમયે દારૂના દૂષણ સામે અભિયાન ચલાવનાર અને તે જ અભિયાન થકી જ રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે જણાવ્યું હતું કે, હું આજે પણ દારૂના વિરોધમાં છું. ગુજરાતની અનેક હૉટલોમાં દારૂની છૂટ છે. આ ગાંધીનું ગુજરાત છે એમા કોઇ ભ્રમણા
ફેલાવતું હોય કે હવે ગુજરાતમાં દારૂની છૂટ થઇ જશે એવી કોઇ જ વાત નથી. ગિફ્ટ સિટીમાં કોઇપણ આવીને છાટકા બનીને ફરી નહીં શકે. અહીં કોઇપણ દારૂ પીવા આવી શકશે એવું નથી. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્યથી આવતા ડિલીગેટ્સ, અધિકારીઓ, કર્મચારીઓ આવે છે તેમના માટે એક મંજૂરી આપવામાં આવી છે. આખા ગિફ્ટ સિટીને ફ્રી નથી કરવામાં આવ્યું.’
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશી દારૂ અંગે મારો હંમેશા વિરોધ રહ્યો છે. હલકી ગુણવત્તા સાથે જે પીવે છે તેે જલદી મરી જાય છે. દારૂના દૂષણ સામે સામાન્ય જનતા મરે નહીં એ માટે સામાજિક મુહિમ આજે પણ યથાવત્ છે, પરંતુ ગિફ્ટ સિટી અલગ એરિયા ડેવલોપ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે કરેલા નિર્ણયનો મેં સંપૂર્ણ અભ્યાસ નથી કર્યો. એમાં ચોક્કસ માપદંડો સાથે છૂટછાટો અપાઈ છે. એવી છૂટ નથી કે કોઈ પણ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા આવી શકે છે.’
સરકારનો માસ્ટરપ્લાન: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં મહાત્મા ગાંધી જે દારૂનો વિરોધ કરતા હતા તે દારૂ મહાત્મા ગાંધીના નામથી પ્રખ્યાત ગાંધીનગર જિલ્લામાં આવેલા ગિફ્ટ સિટીમાં મળશે. સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષ દારૂની છૂટ મામલે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારના નિર્ણયની આકરી ટીકા કરી છે. વિપક્ષનું કહેવું છે સરકાર રાજ્યમાં પાછલા બારણેથી દારૂબંધી હટાવવા માટે કાવતરુ કરી રહી છે.
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મામલે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતની પ્રગતિ, શાંતિ અને સલામતિ દારૂબંધીના કારણે છે. આટલી સરકાર આવી પણ કોઈએ દારૂબંધી ન હટાવી. દાદા મૃદુતાથી મક્કમ રીતે દારૂબંધી દૂર કરવા આગળ વધી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં પાછલા બારણે દારૂ બંધીની છૂટ આપવાનું સુનિયોજિત આયોજન છે. સરકારનો નિર્ણય દુર્ભાગ્ય પૂર્ણ છે, જેનાથી ગુજરાતની યુવાપેઢી બરબાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધી જે શાંતિ અને પ્રગતિ છે તે દારૂ બંધીના કારણે જ છે. વર્ષોથી ગુજરાતમાં અનેક ધંધા રોજગાર આવ્યા અને ફુલ્યાફાલ્યા છે. આજ દિન સુધી ગુજરાતની કોઇ સરકારે ઉદ્યોગો માટે દારૂ બંધીને છુટ્ટી આપી નથી. ભાજપની ડબલ એન્જિન સરકારની હપ્તાખોરીની નીતિના કારણે ગુજરાતમાં
દારૂની બદીઓ વધી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજીના નામ પરથી ગાંધીનગર બનેલું ત્યાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાઈ છે. દારૂ બંધીમાં રાહતથી લોકોની હિંમત ખૂલશે અને બદીમાં વધારો થશે. આજે ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે, કાલે કેવડિયા અને રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છૂટ આપશો.