વિશ્વમાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નથીઃ વિદેશ પ્રધાન ઓવારી ગયા ગુજરાતીઓ પર
દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની કર્ટેન રેઈઝર ઈવેન્ટ ચાલી રહી છે. આ સમારંભમાં વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકર પણ મહેમાન બન્યા હતા અને ગુજરાતીઓને મજા પડી જાય તેવી વાત તેમણે કરી હતી.
વિદેશમંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ એસ. જયશંકરે ગુજરાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત એ લાંબા સમયથી આ દેશનું આર્થિક અગ્રેસર રાજ્ય રહ્યું છે. અહીંના લોકો ઉદ્યોગસાહસિકતા ધરાવે છે, તેમની પાસે રિસ્ક લેવાની અને અવસરોને શોધવાની સંપૂર્ણ ક્ષમતા છે.
વિદેશપ્રધાન એસ જયશંકરે તેમના નિવેદનમાં આગળ એમ પણ કહ્યું હતું કે ગુજરાતના લોકો ઉદ્યોગસાહસિક, રિસ્ક લેવાની એબિલિટી અને દુનિયાભરમાં નવી તકો શોધવાની તેમની ઈચ્છા માટે પ્રખ્યાત છે. તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી, ઉપરાંત તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે, દુનિયામાં એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નહીં હોય અને ક્યારેક મને એટલે શંકા પણ થાય છે કે આ જ કારણ છે કે વિદેશ પ્રધાનને આવા રાજ્યની બેઠક પરથી રાજ્યસભામાં મોકલવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો.’
વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ‘મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર એ ભારત માટે મહત્ત્વના મુદ્દાની ભૂમિકા ભજવી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરનું પણ વિશિષ્ટ સ્થાન છે. અહીં ફરીથી ભારત માટે ટેક-ઓફ થવા માટેનો પોઈન્ટ એ ભારતનું પશ્ચિમી તટ છે, અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતનો કિનારો મહત્વનો છે. નવી દિલ્હીમાં G20 સમિટમાં ઈકોનોમિક કોરિડોર પર સહમતિ સધાઈ હતી. આ કોરિડોરનો છેલ્લો તબક્કો ભારતમાં અને તે પણ ગુજરાત છે. ગુજરાતમાં આર્થિક ઘટનાઓનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તેથી ત્યાં આવનાર કોઈપણ વ્યક્તિ માત્ર ભારતના પ્રદર્શનને જ નહીં પરંતુ ભારતની ભવિષ્યની સંભાવનાઓને પણ જોતો હોય છે.