આ રાજ્યના ધારાસભ્યોના ફંડમાં થયો વધારો, હવે વિકાસકાર્યો માટે મળશે આટલા કરોડ રૂપિયા
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલ સરકારે આજે એક મહત્વની જાહેરાત કરી છે. આજથી શરૂ થયેલા દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રમાં સીએમ કેજરીવાલે MLA ફંડમાં વધારાની જાહેરાત કરી છે. આથી હવે દિલ્હીના ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે 7 કરોડ રૂપિયા મળશે. અગાઉ ધારાસભ્યોને વિકાસના કામ માટે 4 કરોડ રૂપિયા મળતા હતા. દિલ્હી સરકારમાં પ્રધાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે આને પગલે દિલ્હીમાં ધારાસભ્યો તેમના મતવિસ્તારમાં અલગ અલગ વિકાસકાર્યો માટે વધુ ખર્ચ કરી શકશે.
દિલ્હી વિધાનસભાનું બે દિવસીય શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. સત્ર દરમિયાન, સૌરભ ભારદ્વાજે ફંડમાં વધારો કરવા બદલ સીએમ કેજરીવાલનો આભાર માન્યો હતો, અને જણાવ્યું હતું કે 70 વિધાનસભા માટે કુલ વિકાસ ભંડોળ 210 કરોડ રૂપિયા હશે. 100 કરોડ હાલના નાણાકીય વર્ષમાં અને બાકીના આગામી નાણાકીય વર્ષમાં રિલીઝ કરવામાં આવશે.
એવું સામાન્ય નિરીક્ષણ છે કે ધારાસભ્યો સામાન્ય જનતા સાથે વધુ જોડાયેલા હોય છે અને તેઓ વિકાસ કાર્યો માટે સામાન્ય લોકો પાસેથી સૂચનો મેળવે છે. તેમને વધુ ભંડોળ પૂરું પાડવાથી ખાસ કરીને રસ્તાઓ, ઉદ્યાનો, ગટર, બાળકોના પ્લે સ્ટેશન, ઓપન જીમ, સ્ટ્રીટ લાઇટ વગેરે જેવા વિસ્તારોનો વધુ સારો વિકાસ થશે, તેમ પ્રધાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું.
સત્ર દરમિયાન, વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે તમામ ધારાસભ્યોને વિધાનસભાની રચનાના 30 વર્ષ પૂર્ણ થતા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ત્રણ દાયકા પછી પણ ગૃહને સંપૂર્ણ સત્તા અને આર્થિક અધિકારો મળ્યા નથી.