જલંધરઃ ઘર બહાર ટ્રકમાંથી મળ્યા ત્રણ બાળકીના મૃતદેહ

પંજાબના જાલંધરમાં ત્રણ બાળકીઓના મૃતદેહ મળી આવવાનો મામલો બહારઆવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ત્રણેય બાળકીઓ સગી બહેનો છે. જલંધરના મકસૂદા પોલીસ સ્ટેશન હેઠળના કાનપુરમાં ઘરની બહાર ટ્રકમાંથી ત્રણ બાળકીઓના મૃતદેહ મળી આવ્યાના સમાચારે ખળભળાટ મચાવ્યો છે. મૃતક બાળકીઓની ઓળખ અમૃતા, શક્તિ અને કંચન તરીકે થઈ છે. તેમાંથી એકની ઉંમર 9 વર્ષ, બીજીની 6 વર્ષ અને ત્રીજી બાળકીની ઉંમર 4 વર્ષ હોવાનું માલૂમ પડ્યું છે.
આ ઘટના અંગે મકાન માલિક સુરેન્દ્ર સિંહે એક અહેવાલમાં જણાવ્યું કે, મોડી રાત્રે બાળકીના પિતાએ તેમના ગુમ થવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ બાદ પરત જતી રહી હતી. બીજી તરફ સવારે ગલીમાંથી પસાર થતાં લોકોએ ટ્રકમાં આ ત્રણેય બાળકીઓના મૃતદેહ જોયા. હાલમાં પોલીસે બાળકીઓના પરિવારજનોને કસ્ટડીમાં લીધા છે.
પોલીસે આ ત્રણેય બાળકીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મત્યુના કારણોને ખુલાસો થશે. આવી સ્થિતિમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.