બોલો, ટ્રેનમાં ઠંડીથી બચવા માટે યુવાનોએ કર્યું આવું કારનામું…
ભારતીયોની ગણતરી એક નંબરના જુગાડબાજ તરીકે કરવામાં આવે છે અને આવા જ એક જુગાડને કારણે બે યુવકોએ પોતાની સાથે સાથે હજારો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. એટલું જ નહીં આ યુવકોએ ટ્રેનમાં એવું કંઈક કર્યું હતું કે યુવાનો જેલના સળિયા પાછળ પહોંચી ગયા હતા. રેલવે પોલીસ પણ યુવાનોની આ હરકત જોઈને ખુદ રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકોની આ હરકતને કારણે ટ્રેનને અલીગઢ સ્ટેશન પર રોકવામાં આવી આવી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં આ ઘટના બની હતી. બે યુવકોએ ઠંડીથી બચવા માટે ટ્રેનમાં જ તાપણું કર્યું હતું અને હાથ શેકવાનું ચાલુ કરી દીધું હતું. અલીગઢ જંક્શન પર તહેનાત આરપીએફની ટીમને માહિતી મળી કે આસામના સિલચરથી દિલ્હી જઈ રહેલી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસના જનરલ કોચમાં બે યુવાનોએ તાપણું કર્યું છે.
અધિકારીઓએ ટ્રેનને અલીગઢ સ્ટેશન પર ઊભી રાખીને બંને યુવકોને તાબામાં લીધા હતા. યુવકોની પુછપરછ કરીને તેમની વિરુદ્ધ ગુનો નોંધીને ટ્રેન આગળ રવાના કરવામાં આવી હતી, પરંતુ આ ઘટના બાદ પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રેન સિલચરથી નવી દિલ્હી જઈ રહી હતી એ સમયે બરહન ક્રોસિંગ પાસે ગેટમેને ટ્રેનના જનરલ કોચમાંથી ધુમાડો નીકળતો જોયો હતો અને તેણે તરત જ આ માહિતી રેલવે અધિકારીઓ આપી હતી અધિકારીઓએ આ ઘટનાની જાણ આરપીએફને કરી હતી.
ચમરૌલા સ્ટેશન પર ટ્રેનને ઊભી રાખીને આરપીએફ દ્વારા તપાસ કરવામાં આવતા બે યુવક ટ્રેનમાં તાપણુ કરીને એના પર બીજા કેટલાક લોકો પણ હાથ શેકી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે બે યુવક સહિત 14 જણને તાબામાં લેવામાં આવ્યા છે. પરંતુ આ કામમાં તેમનો હાથ ના હોવાનું ધ્યાનમાં આવતા તેમને વોર્નિંગ આપીને છોડી મૂકવામાં આવ્યા છે.