જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરાશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની મંજૂરીને પગલે વારાણસીસ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી શનિવારે સાફ કરવામાં આવશે.
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સિલ કરવામાં આવેલા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી સાફ કરવાને લગતી હિન્દુ મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ૧૬ જાન્યુઆરીએ મંજૂરી આપી હતી.
મુખ્ય ન્યાયધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયધીશ જે.બી. પારડીવાલા તેમ જ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ પાણીની ટાંકી સાફ કરવાનો આદેશ આપ્યો હતો.
હિન્દુ મહિલાના વકીલ મદનમોહન યાદવે કહ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમે ગુરુવારે હિન્દુઓ અને અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી સાથે ગુરુવારે અલગ અલગ બેઠક કરી હતી અને પાણીની ટાંકીની સાફસફાઈ શનિવારે સવારે નવ વાગ્યે શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
ટાંકીની સફાઈ વખતે બંને પક્ષના બે પ્રતિનિધિ હાજર રહેશે. કોઈ પક્ષની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે ટાંકીની સફાઈનું કામ કરવામાં આવશે. (એજન્સી)