ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વકફ સુધારા બિલ (The Waqf (Amendment) Bill, 2024 ) રજુ કર્યા બાદથી વિવાદ ઉભો થયો છે, વિચારણા માટે આ બિલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC)પાસે મોકલવામાં આવ્યું છે. બિલ પર સૂચનો માટે કમિટીને 1 કરોડથી વધુ ઈમેલ મળ્યા છે. આ ઉપરાંત, જેપીસીને લેખિત સૂચનો પણ મળ્યા છે. દરમિયાન, જેપીસીના વરિષ્ઠ સભ્ય નિશિકાંત દુબેએ આજે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને લખેલા એક પત્રમાં મોટો દાવો કરીને કર્યો છે, જેમાં તેમણે આ સૂચનોની પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવા તરફ ઈશારો કર્યો છે.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ મામલે તપાસ કરવા વિનંતી કરી છે. નિશિકાંત દુબેએ જગદંબિકા પાલને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે આ ગંભીર ચિંતાઓને ધ્યાનમાં રાખીને, JPC દ્વારા પ્રાપ્ત સામગ્રીની તપાસ કરવા માટે ગૃહ મંત્રાલયને પરવાનગી આપવામાં આવે.
નિશિકાંત દુબેએ વકફ એમેન્ડમેન્ટ બિલ માટે મળેલા અઢળક સૂચનો પાછળ કટ્ટરપંથી સંગઠનો, ઝાકિર નાઈક જેવી વ્યક્તિઓ અને આઈએસઆઈ અને ચીન જેવી વિદેશી શક્તિઓ તેમજ તેમના પ્રોક્સીઓની સંભવિત ભૂમિકા હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પારદર્શિતા જાળવવા માટે, ગૃહ મંત્રાલય દ્વારા તપાસ કર્યા પછી, તપાસનો અહેવાલ જેપીસી સમક્ષ મૂકવો જોઈએ.
એક મીડિયા અહેવાલ અનુસાર, વકફ સુધારા બિલ બાબતે સંયુક્ત સંસદીય સમિતિને મળેલા 1 કરોડથી વધુ ઈમેલમાંથી ઘણા ઈમેલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા લખવામાં આવ્યા છે. નિશિકાંત દુબેએ પણ આવો જ આરોપ લગાવ્યો છે. જેપીસી અધ્યક્ષને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે વકફ સુધારા બિલ માટે મળેલા 1.25 કરોડ સૂચનોની ભાષા એક જ છે.
વકફ એમેન્ડમેન્ટ બિલ પર સૂચનો મોકલવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બરે પૂરી થઈ ગઈ છે. અહેવાલ મુજબ, વકફ સુધારા બિલ પર 75,000 થી વધુ લેખિત સૂચનો અને વાંધાઓ પણ પ્રાપ્ત થયા છે. હવે સંયુક્ત સંસદીય સમિતિની પેનલ વિવિધ રાજ્યોની મુલાકાત લેશે. આ સાથે તેઓ રાજ્ય વક્ફ બોર્ડ અને રાજ્ય લઘુમતી આયોગને મળશે.