કાશી યુનિવર્સિટીમાં મધરાતે વિદ્યાર્થિની સાથે હેવાનોએ કરી આ હરકત, વીડિયો વાઈરલ
વારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત કાશી હિંદુ યુનિર્વસિટીના કેમ્પસમાં બુધવારે મધરાતે એક વિદ્યાર્થિની સાથે બાઇકસવાર યુવકોએ શરમજનક હરકત કરી છે. પોતાના મિત્ર સાથે બહાર નીકળેલી આ આઈઆઈટી-બીએચયુ (બનારસ હિંદુ યુનિવર્સિટી) વિદ્યાર્થિની સાથે 3 યુવકોએ છેડતી કરી હતી અને તેને નિર્વસ્ત્ર કરીને તેનો વીડિયો બનાવ્યો હોવાની હરકત સામે આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે.
ઘટનાને પગલે અનેક વિદ્યાર્થીઓએ ગુરૂવારે રાજપૂતાના હોસ્ટેલની સામે ધરણા-પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં બહારના તત્વો પણ સામેલ હતા. અસામાજિક તત્વોના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના આક્રોશને કારણે વર્ગખંડો અને લેબોરેટરીમાં રિસર્ચનું કામ બંધ કરવામાં આવ્યું હતું તેમ જ આખી યુનિવર્સિટીમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઇ છે.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મોડીરાત્રે તેના હોસ્ટેલથી નીકળી હતી, એ પછી તેણે તેના મિત્ર સાથે મુલાકાત કરી હતી. તેઓ બંને એક જગ્યાએ ઉભા હતા તે સમયે બાઇકસવાર ત્રણ લોકોએ તેમને આંતર્યા અને પીડિતાનું મોં દબાવી તેને એક ખૂણામાં લઇ જઇ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. પોલીસે સમગ્ર મામલે કલમ 354, 506 અને અંતર્ગત કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ આ ઘટનાની આકરી ટીકા કરતા સોશિયલ મીડિયા સાઇટ X પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં યુનિવર્સિટીની અંદર પણ વિદ્યાર્થિનીઓ અસુરક્ષિત છે. ધિક્કાર છે!” તેવું તેમણે કેપશનમાં લખ્યું હતું.