શહેર કરતા ગામડાઓમાં લોન લેવાનું ચલણ વધ્યું, દર 1 લાખ લોકો પર 18 હજારથી વધુ લોન લેનારા

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં લોકોની જરૂરિયાતો વધારે હોય છે, જેના કારણે શહેરીજનોમાં લોન લેવાનું ચલણ વધી રહ્યું છે, પરંતુ સરકારી સર્વેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે લોન લેવામાં ગ્રામીણ વિસ્તારોના લોકો ખૂબ આગળ છે. ગામડાઓમાં દર એક લાખ લોકોમાંથી 18,714 લોકો એવા છે જેમણે કોઈને કોઈ લોન લીધી છે. જ્યારે, શહેરોના દેવાદાર લોકોની સંખ્યા ગામડાઓ કરતા થોડી ઓછી 17,442 છે.
શહેરી વિસ્તારોમાં ઈએમઆઈ પર સામાન ખરીદવાનું પ્રમાણ 17.44 ટકા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 18.7 ટકા છે.આના પરથી જોઈ શકાય છે કે ગ્રામીણ વિસ્તારોમાં ઈએમઆઈ પર સામાન ખરીદવાનું પ્રમાણ વધુ છે.
આંકડા મંત્રાલયનો વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વે રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 2022-23ના નેશનલ સેમ્પલ સર્વેના ડેટાને આધાર બનાવવામાં આવ્યો છે. તે કહે છે કે દેશમાં દર 1 લાખ લોકો પર 18,322 દેવાદાર છે.
આ પણ વાંચો…Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
રિપોર્ટમાં કહેવાયું છે કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડાઓમાં લોન લેનારાઓની સંખ્યા વધુ છે. આ વલણ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં વધુ જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે, એક લાખ ગ્રામીણ પુરૂષોમાંથી 24,322એ કોઈને કોઈ લોન લીધી છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં 23,975 પુરુષો પાસે લોન હતી. તેવી જ રીતે, જો આપણે મહિલાઓની વાત કરીએ તો, ગામડાઓમાં દર એક લાખ મહિલાઓમાંથી 13,016 મહિલાઓ દેવાદાર હતી. જ્યારે શહેરોમાં તે પ્રમાણમાં ઓછું હતું, 10,584 મહિલાઓ દેવાદાર હોવાનું જાણવા મળ્યું હતું.
નિષ્ણાંતોનું માનવું છે કે ગામડાઓમાં પણ શહેરોની લાઈફ ફોલો થઈ રહી છે. ઘરેલું જરૂરિયાતો હોય કે બાળકોનું શિક્ષણ હોય કે ખોરાક હોય કે કપડાં હોય, વસ્તુઓ હવે મોટાભાગે શહેરોની તર્જ પર બની રહી છે. શહેરોની દેખાદેખીમાં હવે ગામડાઓમાં પણ લોન અને ઇએમઆઇ પર ખરીદી કરવાનું ચલણ વધી ગયું છે.