નેશનલ

પહલગામ હુમલાનું ભોગ બન્યું હવે ‘પ્રવાસન’ સેક્ટર, જાણો સૌથી મોટો ફટકો કોને પડ્યો?

હોટેલ ઉદ્યોગથી લઈને ઘોડાવાળાની હાલત કફોડી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તેની સીધી અસર પ્રવાસન પર થઈ છે. પહલગામની બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. આ હુમલાને કારણે હવે પ્રવાસીઓ અહીં આવવાથી ખચકાઈ રહ્યા છે, જેના પરિણામે સ્થાનિક ઘોડાવાળા, ફોટોગ્રાફરો અને અન્ય વેપારીઓનો ધંધો પડી ભાંગ્યો છે. એક મીડિયા અહેવાલના અંદાજ મુજબ, પહેલગામમાં ઘોડાવાળા દરરોજ ₹2 કરોડનું નુકસાન વેઠી રહ્યા છે.

બુકિંગ રદ થતા ઘોડાવાળા પર મુશ્કેલી
ઘોડા એસોસિએશન સાથે સંકળાયેલા એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આતંકી હુમલા બાદ પહલગામમાં પ્રવાસીઓના બુકિંગ સતત રદ થઈ રહ્યા છે. ઉનાળાના વેકેશનમાં સામાન્ય રીતે લાખો પ્રવાસીઓ અહીં પહોંચતા હોય છે અને ઘોડેસવારીનો આનંદ લેતા હોય છે. આ વર્ષે પણ ફૂલ બુકિંગ હતું, પરંતુ આતંકી હુમલાની ઘટના બાદ લોકોએ પહલગામ અને કાશ્મીરના અન્ય વિસ્તારોની મુસાફરી ઓછી કરી દીધી છે. આનાથી ઘોડા માલિકો પાસે હાલ કોઈ કામ નથી રહ્યું.

ઘોડાવાળા માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમને ઘોડા ચલાવવા સિવાય બીજું કોઈ કામ આવડતું નથી. આવા સંજોગોમાં, ઘોડાના દૈનિક ખર્ચાઓ પણ કાઢવા મુશ્કેલ બની રહ્યા છે. પહલગામમાં આશરે 6,000 ઘોડા છે, જેમાંથી માત્ર 1,900 પાસે જ લાયસન્સ છે. સરકારી લાયસન્સિંગ પ્રક્રિયા ધીમી હોવાથી નવા લાયસન્સ મળ્યા નથી. સામાન્ય સિઝનમાં દરેક ઘોડાવાળો પ્રતિ ઘોડો ₹3,000 કમાતો હતો, પરંતુ હાલમાં 6,000 ઘોડાઓમાંથી ફક્ત 100 ઘોડાઓને જ ભાગ્યે જ કામ મળી રહ્યું છે.

આ પણ વાંચો -‏‏‎ ઓપરેશન સિંદૂરનો નવો ખુલાસો: ભારતીય સેનાએ બ્રહ્મોસ અને ક્રિસ્ટલ મેજ મિસાઈલથી પાકિસ્તાનની ઊંઘ કરી હતી હરામ

ઘોડાનો ખર્ચ અને તેના પર નિર્ભર પરિવારો
વળી ઘોડા વાળાએ વટ કરતાં કહ્યું હતું કે એક ઘોડાના દૈનિક ખોરાકનો ખર્ચ ₹400 આવે છે. ઘોડાની ઉંમર વધતા તેના ઇલાજનો ખર્ચ વધીને પ્રતિદિન ₹1,500 સુધી પહોંચી શકે છે. તે ઉપરાંત પહલગામમાં ઘોડેસવારીના કામ સાથે આશરે 1 લાખ સ્થાનિક લોકો સંકળાયેલા છે, જેમાંથી ઘણાના પરિવારનું ગુજરાન તો સંપૂર્ણપણે આ વ્યવસાય પર નિર્ભર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button