મંદિર સનાતન સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહેશે: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં શ્રીરામ લલાની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને કરોડો રામ ભક્તો માટે અવિસ્મરણીય દિવસ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મંદિર યુગો યુગો સુધી સનાતન સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની રહેશે. શાહે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે “જય શ્રી રામ… પાંચ સદીઓની રાહ અને વચન આજે પૂર્ણ થયું.” તેમણે કહ્યું હતું કે આજે જ્યારે આપણા રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા ત્યારે અસંખ્ય રામ ભક્તોની જેમ હું પણ ભાવુક થયો છું. આ લાગણીને શબ્દોમાં કેદ કરવી શક્ય નથી. શાહે કહ્યું હતું કે આ ક્ષણની રાહમાં ઘણી પેઢીઓ વીતી ગઈ, પરંતુ કોઈ પણ ભય અને આતંકવાદ રામજન્મભૂમિ પર ફરીથી મંદિર બનાવવાના સંકલ્પ અને આસ્થાને ડગાવી શક્યો નહીં. ભાજપના પૂર્વ અધ્યક્ષે રામ મંદિર માટે બલિદાન આપનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓએ ઘણા અપમાન અને ત્રાસ સહન કર્યા પરંતુ ધર્મનો માર્ગ છોડ્યો નહીં.
તેમણે કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ, હજારો મહાન સંતો અને અસંખ્ય જાણ્યા-અજાણ્યા લોકોના સંઘર્ષનું આજે સુખદ અને સફળ પરિણામ આવ્યું છે. આ વિશાળ શ્રી રામજન્મભૂમિ મંદિર યુગો-યુગો સુધી અવિરત અવિનાશી સનાતન સંસ્કૃતિનું અનન્ય પ્રતીક બની રહેશે. શાહે રામ મંદિર નિર્માણના સંકલ્પને પૂર્ણ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. શાહે રાજધાની દિલ્હીના બિરલા મંદિરમાં પાર્ટીના અન્ય નેતાઓ સાથે `પ્રાણપ્રતિષ્ઠા’ સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોયું હતું.