કાશ્મીરના તાપમાનમાં ઘટાડો, પહેલગામ ખીણનું સૌથી ઠંડું સ્થળ

શ્રીનગરઃ કાશ્મીરના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં સતત બીજી રાત્રિએ ઘટાડો નોંધાયો હતો. સોમવારે વહેલી સવારે ખીણમાં ગાઢ ધુમ્મસના કારણે દૈનિક જનજીવન ખોરવાયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં તાપમાન માઇનસ ૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેમાં ગત રાત્રિના માઇનસ ૨.૧ ડિગ્રી કરતા થોડો ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાંના એક તરીકે સેવા આપતા પહેલગામનું લઘુત્તમ તાપમાન માઇનસ ૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે ગત રાત્રિના માઇનસ ૩.૯ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર કાશ્મીર ઘાટીમાં પહેલગામ સૌથી ઠંડું સ્થળ હતું. બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં માઇનસ ૨.૬ ડિગ્રી, કાઝીગુંડમાં માઇનસ ૨.૬ ડિગ્રી, કોકરનાગમાં માઇનસ ૧.૬ ડિગ્રી, અને કુપવાડામાં માઇનસ ૩.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે મહિનાના અંત સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. શ્રીનગરમાં સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. ધુમ્મસના આવરણને કારણે સવારે ૮-૩૦ વાગ્યે વિઝિબિલિટી ૯૧ મીટર હતી.

હાલમાં કાશ્મીર ‘ચિલ્લા-એ-કલાન’ની પકડ હેઠળ છે, જે ૪૦ દિવસનો શિયાળાનો સૌથી સખત સમયગાળો છે. જે દરમિયાન પ્રદેશમાં શીત લહેર અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ સમયગાળા દરમિયાન હિમવર્ષાની સૌથી વધુ સંભાવના હોય છે. મોટાભાગના અને ખાસ કરીને ઉંચાણવાળા વિસ્તારોમાં ભારે બરફ પડે છે. ‘ચિલ્લા-એ-કલાન’ ૩૧ જાન્યુઆરીએ સમાપ્ત થશે.