સરકારી સ્કૂલની આ છે હાલતઃ વિદ્યાર્થીઓ પોતાની રીતે ભણે બાકી શિક્ષક તો…
લખનઉઃ દરેક રાજ્ય સરકારની જવાબદારી છે કે પોતાના રાજ્યમાં બાળકોને સારું સરકારી શિક્ષણ આપે, પરંતુ કમનસીબે એકપણ રાજ્ય એવું નથી કે જ્યાં સરકારી સ્કૂલોનું શિક્ષણ ગુણવત્તાવાળું હોય. આને લીધે માતા-પિતાએ નછૂટકે ખાનગી સ્કૂલોની ફીનો ભાર સહન કરવો પડે છે.
આ વાત સોશયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ ફરી ચર્ચામાં આવી છે.
સોશ્યિલ મીડિયા પર કેટલાક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે તમને વિચારવા પણ મજબૂર કરી દે છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે ઉત્તર પ્રદેશના બિલાસપુર જિલ્લાના મસ્તુરી બ્લોકની બરેલી પ્રાથમિક શાળાનો હોવાનું કહેવાય છે.
વીડિયોમાં વર્ગમાં શિક્ષિકા એક ખુરશી પર બેઠી છે અને તેની સામે પગ મુકવા માટે બીજી ખુરશી લઈને શાંતિથી ઊંઘે છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે જ ભણી રહ્યા છે કે રમી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad ના પૂર્વ વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના,શિક્ષક સસ્પેન્ડ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાકે દેશના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે શિક્ષણ માટે શાળાએ આવવા માટે દૂર-દૂર સુધી પ્રવાસ કરે છે તે પરિસ્થિતિની દર્દનાક વાસ્તવિકતા આ વિડિયો દર્શાવે છે, તેમ એક યુઝરે લખ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગણિતના શિક્ષકો સરવાળામાં કાચા, બોર્ડ પેપરમાં ખોટી ગણતરી માટે અધધ રૂ. 64 લાખનો દંડ
વીડિયો જેમે શૂટ કર્યો છે તેણે શિક્ષિકાને ઊંઘતી ઝડપી છે. ત્યારબાદ જાગી ગયેલી શિક્ષિકા કહે છે કે મને માથું દુઃખતું હતું તેથી થોડો આરામ કર્યો. શૂટિંગ કરનાર વ્યક્તિ ત્યાં બાળકોને પૂછે છે કે શિક્ષિકા ભણાવે છે કે નહીં, પણ બાળકી કંઈ જવાબ આપતી નથી.
બાળકોના ભવિષ્યના ઘડતરમાં શિક્ષકોનો બહુમૂલ્યા ફાળો છે. એક વીડિયોના જોરે આ શિક્ષિકાને વખોડવી યોગ્ય ન કહેવાય, પરંતુ સરકારી સ્કૂલોમાં શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા છે તે વાત વારંવાર બહાર આવે છે.