ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના આરોપીના પરિવારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી
નવી દિલ્હીઃ ઝેક રિપબ્લિકમાં અટકાયત કરવામાં આવેલા ભારતના નાગરિક નિખિલ ગુપ્તાના પરિવારની અરજીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે નકારી કાઢી હતી. નિખિલ ગુપ્તાના પરિવારે તેને અમેરિકાને પ્રત્યાર્પણ કરવાના મુદ્દે અદાલત પાસેથી સહાય કરવાની માગણી કરી હતી. નિખિલ ગુપ્તાના પરિવારની આ અરજીને નકારતા કોર્ટે કહ્યું હતું કે આ સંવેદનશીલ કેસ મામલે સરકાર જ યોગ્ય નિર્ણય લઈ શકે છે. કોર્ટ આ મામલે કોઈ હસ્તક્ષેપ નહીં કરે અને વિદેશની અદાલતના અધિકાર ક્ષેત્રનું સન્માન કરવું પણ જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને ભારત સરકાર આ મામલે યોગ્ય નિર્ણય લઈ શકે છે. સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદો અને અદાલતની સહાયતાનું ધ્યાન રાખતા સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ પણ હસ્તક્ષેપ નહીં કરે. નિખિલ ગુપ્તાને ઝેક રિપબ્લિકની જેલમાં બંધ છે અને અમેરિકા દ્વારા તેના પ્રત્યાર્પણ વિશે માગણી કરવામાં આવી છે.
દિલ્હીના બિઝનેસમેન નિખિલ ગુપ્તાની 2023માં ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું રચવા બદલ અટકાયત કરવામાં આવી હતી. અમેરિકા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે નિખિલ ગુપ્તા સરકારના ગુપ્ત એજન્ટ સાથે કામ કરી રહ્યો છે. પન્નુની હત્યા કરવા માટે નિખિલ ગુપ્તાએ એક હિટમેન પણ રાખ્યો હતો. અમેરિકાએ કરેલા આ આરોપો બાદ ભારત સરકાર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી.
જો નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપી દેવાશે તો તેને બચાવવો વધુ મુશ્કેલ બનશે એવી ચિંતા તેના પરિવારને સતાવી રહી છે. નિખિલ ગુપ્તાને બચાવવા માટે તેના પરિવાર દ્વારા અરજી દાખલ કરવામાં આવો છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે નિખિલને જુદી જ જેલમાં રાખવામાં આવ્યો હતો અને તેને માસાંહારી ખાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે. જ્યારે નિખિલની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે પોલીસ પાસે કોઈ પણ વોરન્ટ નહોતું અને નિખિલની ઝેક રિપબ્લિકના અધિકારીએ નહીં પણ અમેરિકાના અધિકારીઓએ અટક કરી હતી અને તેને કસ્ટડીમાં પણ રાખવામા આવ્યો હવાનો દાવો તેના પરિવારે કર્યો હતો.