સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર ગુસ્સે થતાં કહ્યું કે જો તમે કોર્ટને ગેરમાર્ગે દોરો છો તો….
નવી દિલ્હી: થોડા વર્ષો પહેલા દિલ્હીમાં કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય તો તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે ફરિશ્તે દિલ્હી કે નામની યોજનાની શરૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ યોજનાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી સરકારને ચેતવણી આપી હતી કે જો તે અરજી દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરશે તો તેમને ભારે દંડ ફટકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારની આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય છે, તો તેને ખાનગી હોસ્પિટલમાં સારવારની સુવિધા મળે છે. તેનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવે છે. કેજરીવાલ સરકારે 2018માં તેની શરૂઆત કરી હતી.
જવાબમાં એલજી ઓફિસે કોર્ટને જણાવ્યું હતું કે એલજીને બિનજરૂરી રીતે આ મામલામાં ખેંચવામાં આવે છે, તેને આ યોજના સાથે કોઈ લેવાદેવા નથી. આ યોજના પર નિર્ણય દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાનની સમિતિ દ્વારા લેવામાં આવે છે.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અરવિંદ કેજરીવાલ સરકાર પર ફરિશ્તે દિલ્હી કે યોજનામાં જવાબદારીઓમાંથી છટકી જવાનો આરોપ લગાવ્યો હતો. વીકે સક્સેનાએ કહ્યું હતું કે દિલ્હી સરકાર પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવી રહી છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે મને આશ્ચર્ય થાય છે કે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેઓ આ યોજનાને રોકવા માટે જવાબદાર છે.