સુપ્રીમ કોર્ટની કમિટીએ મણિપુર સરકારને ધાર્મિક ઈમારતો માટે કર્યો આ આદેશ…
મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે લોકો એકબીજાને આહત કરવા માટે એકબીજાના ધાર્મિક સ્થળો પર હુમલા કરી રહ્યા છે જેના કારણે ધાર્મિક સ્થળોને ઘણું નુકસાન થઇ રહ્યું છે. અને ધાર્મિક લાગણી દુભાવાના કારણે લોકો વધારે હિંસક બની રહ્યા છે અને આ હિંસાને રોકવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટની સમિતિએ મણિપુર સરકારને કોઈપણ વિલંબ કર્યા વિના રાજ્યની તમામ ધાર્મિક ઈમારતોની ઓળખ કરી તેની રક્ષા કરવાનું અને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે મણિપુર હિંસાના માનવતાવાદી પાસાઓની તપાસ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ કરી રહ્યા છે. આ સમિતિમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ શાલિની પી. જોશી અને દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આશા મેનનનો પણ સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટની સમિતિએ 8 સપ્ટેમ્બરે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સમિતિએ કહ્યું હતું કે રાજ્ય સરકારે રાજ્યની તમામ ધાર્મિક ઈમારતો (આમાં ચર્ચ, હિન્દુ મંદિરો, મસ્જિદો અને કોઈપણ ધર્મની અન્ય ઈમારતોનો સમાવેશ થાય છે)ની તાત્કાલિક ઓળખ કરવી અને હિંસાના કારણે થયેલા નુકસાનને સરભર કરી આ ઇમારતોનું જેટલું બને તેટલા ઝડપથી સમારકામ કરાવવું તેમજ વિસ્થાપિત લોકો અને હિંસામાં નાશ પામેલા અથવા બળી ગયેલા લોકોની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
સમિતિએ એ પણ સ્પષ્ટ કર્યું હતું 3 મે, 2023થી શરૂ થયેલી હિંસામાં કેટલીક ધાર્મિક ઇમારતોને સળગાવી દેવામાં આવી હતી જેના કારણે ઘણું નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટની સમિતીએ ખાસ નોંધ્યું હતું કે કોર્ટે ધાર્મિક ઇમારતોને સાચવવા માટે આદેશ જારી કર્યો છે અને જો આદેશનું પાલન કરવામાં ન આવે તો સંબંધિત વ્યક્તિ ભારતની સર્વોચ્ચ અદાલતના આદેશનો અનાદર કરવા અને અદાલતની અવમાનના માટે જવાબદાર રહેશે.
મણિપુર પોલીસે સપ્ટેમ્બરની શરૂઆતમાં આ સંદર્ભમાં નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં હિંસા દરમિયાન 386 ધાર્મિક ઈમારતોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમાંથી 254 ચર્ચ અને 132 મંદિરો છે. રાજ્યભરમાં આગજનીના 5,132 કેસ નોંધાયા હતા. ધાર્મિક ઈમારતોમાં આગચંપી કરવાની આ ઘટનાઓ તેમાંની છે.