ટોપ ન્યૂઝનેશનલ

બિલ રોકવા અને મંજૂરી આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ રાજ્યપાલ મુદ્દે કરી શકે છે આ નિર્દેશ…

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલને લઇને કેસ ચાલી રહ્યા છે. જેમાં તમિલનાડુ, પંજાબ અને હવે કેરળમાં રાજ્ય સરકારે રાજ્યપાલ સામે આરોપ કર્યો છે કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને તેમની મંજૂરી આપતા નથી. પરિણામે બિલ લાંબા સમય સુધી રાજ્યપાલ પાસે રહે છે અને રાષ્ટ્રપતિને પણ મોકલવામાં આવતું નથી.

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન પર પિનરાઈ વિજયન સરકાર દ્વારા લગભગ 2 વર્ષથી 8 બિલો અટકાવવાનો આરોપ છે. પંજાબ અને તમિલનાડુમાં પણ આ જ સ્થિતિ છે જ્યાં બિલને રોકવા અથવા દબાવવાના આરોપો છે. સરકાર અને રાજ્યપાલ વચ્ચેના વિવાદનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને હવે દેશની સર્વોચ્ચ અદાલત આ બિલને લઈને માર્ગદર્શિકા જારી કરી શકે છે. રાજ્યપાલોનું આ અધમ વર્તન હવે ચર્ચાનો વિષય છે. ચાલો જાણીએ કે ત્રણ રાજ્યોમાં બિલને રોકવા પર ઉભા થયેલા મતભેદોનાં કારણો શું છે.

2021માં વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો તરફ ઈશારો કરતા CJIએ પૂછ્યું હતું કે રાજ્યપાલ બે વર્ષ સુધી શું કરી રહ્યા હતા?’ CJIએ કહ્યું કે રાજ્યપાલ જવાબદાર છે અને બંધારણ પ્રત્યે કોર્ટની ફરજ છે… લોકો આવીને કોર્ટમાં પૂછે છે કે શું થયું. કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન પર 8 બિલને 2 વર્ષ સુધી રોકવાનો આરોપ છે. પરિણામ એ આવ્યું કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.

પંજાબમાં પણ આવી જ ઘટના બની જેમાં માન સરકાર રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત દ્વારા બિલ રોકવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. પંજાબ સરકારે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. સત્રમાં ત્રણ નાણા બિલ રજૂ થવાના હતા. પરંતુ બનવારીલાલ પુરોહિતે આ સત્રને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. અને બિલ પણ રજૂ કરવા દેવામાં આવ્યું ન હતું. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે માન સરકારને પત્ર લખીને ખાતરી આપી છે કે તેઓ ટૂંક સમયમાં ત્રણ ફાઇનાન્સ બિલ સહિત 5 બિલ વિશે જાણ કરશે. પંજાબ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ કરીને લોકોને હેરાન કરી શકે નહિ.

તમિલનાડુમાં પણ રાજ્યપાલ આરએન રવિ બિલમાં વધુ વિલંબ કરી રહ્યા હતા. રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યપાલ સમગ્ર વહીવટીતંત્રને સ્થગિત કરી રહ્યા છે. ત્યારે તમિલનાડુ સરકારે તેની અરજીમાં એમ પણ કહ્યું હતું કે માફીના આદેશો, નિયમિત ફાઇલો અને નિમણૂકના આદેશો પર રાજ્યપાલ હસ્તાક્ષર કરતા નથી તેમજ ભરતીના આદેશોને મંજૂરી આપવાનો ઇનકાર અને ભ્રષ્ટાચારના કેસોમાં પ્રધાનો અને ધારાસભ્યો સામે કેસ ચલાવવા માટે પણ જે ફાઇલો આપવામાં આવી છે તેણે પણ રોકી રાખી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button