શરદ પવારના સગાની ખાંડ મિલને ટાંચ મરાઇ
નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ એનસીપીના વડા શરદ પવારના સગા રોહિત પવારની કંપનીની માલિકીના એક સાકર કારખાનાની રૂપિયા પચાસ કરોડથી વધુ કિંમતની અસ્કયામતને શુક્રવારે ટાંચ મારી હતી. ઇડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કમાંના કહેવાતા કૌભાંડના સંદર્ભે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી હાથ ધરેલી તપાસમાં આ કાર્યવાહી કરાઇ હતી.
એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે ઔરંગાબાદ જિલ્લાના ક્નનડ ગામમાંની ક્નનડ સહકારી સાખર કારખાના લિમિટેડની કુલ 161.30 એકર જમીન, પ્લાન્ટ, મશીનરી અને ઇમારતને કામચલાઉ ટાંચ મારી હતી.
ક્નનડ સહકારી સાખર કારખાના લિમિટેડની માલિક બારામતી એગ્રો લિમિટેડની છે અને તે રોહિત પવારની કંપની છે.
રોહિત પવાર શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય છે.
મહારાષ્ટ્રની કર્જત – જામખેડ વિધાનસભા બેઠકના 38 વર્ષીય વિધાનસભ્યની ભૂતકાળમાં ઇડી દ્વારા પૂછપરછ કરાઇ હતી. તેની પહેલા બારામતી એગ્રો, ક્નનડ સહકારી સાખર કારખાના લિમિટેડ અને અન્ય કેટલીક સંસ્થા પર જાન્યુઆરીમાં દરોડા પડાયા હતા. (એજન્સી)