મણિપુરના મોરેહ શહેરમાં સ્થિતિ વણસી, મણિપુર સરકારને ગૃહવિભાગ પાસે હેલિકોપ્ટર માગવાની પડી ફરજ..

મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 105 કિમી દૂર રાજ્યની સરહદ પર આવેલા મોરેહ અને તેંગનોઉપલ જિલ્લામાં કુકી ઉગ્રવાદીઓ અને ભારતીય સેના વચ્ચે સતત ગોળીબાર અને ઘર્ષણ થઇ રહ્યું છે. આદિવાસી મહિલાઓ રસ્તા રોકી રહી છે, ઘાયલ સેનાકર્મીઓને સારવાર માટે લઇ જવાતા હોય તે સમયે કુકી પ્રજા દ્વારા હુમલાની ઘટનાઓ બનતા આવા સંજોગોમાં હેલિકોપ્ટર જ એક સુરક્ષિત માધ્યમ છે તેવું મણિપુરની એન. બિરેનસિંઘ સરકારનું કહેવું છે.
ગૃહ મંત્રાલયના અતિરિક્ત સચિવને લખાયેલા પત્રમાં મણિપુર સરકારે જણાવ્યું હતું કે ખાસ કરીને મોરેહમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઇ ગઇ છે, જે એક ચિંતાનો વિષય બની રહી છે. સતત ગોળીબારને પગલે આજે IRBનો એક જવાન શહીદ થયો હતો. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગૃહ મંત્રાલયે 4 જાન્યુઆરીએ હેલિકોપ્ટરની સંખ્યા તથા કેટલા સમય માટે સુવિધા જોઇશે તેવું જણાવવા મણિપુરની સરકારને અનુરોધ કર્યો હતો. ગૃહ મંત્રાલય પાસે સીમિત સંસાધનો હોવાથી ઉત્તર-પૂર્વમાં લાંબા સમય સુધી હેલિકોપ્ટરો ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ ઓછી છે.
બુધવારે મણિપુરના મોરેહ કસ્બામાં કેટલાક કુકી ઉગ્રવાદીઓએ સ્થાનિક પોલીસ પર હુમલો કરી દીધો હતો, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. મોરેહ સહિતની પણ અનેક જગ્યાઓએ સતત સ્થાનિક પોલીસ તથા કુકી ઉગ્રવાદીઓ વચ્ચે સંઘર્ષ યથાવત છે.