નવી દિલ્હી: કોરોના મહામારીના સમયે ભારત અન્ય દેશોની વહારે આવ્યો હતો. ભારતે ખાસ કરીને ગરીબ દેશોને માત્ર કોવિડ વેક્સિન જ નહિ પરંતુ ખાદ્ય સામગ્રી મોકલીને પણ મહામારીની સામે લડતમાં મદદ કરી હતી. હવે ફરી એકવખત ભારત ઉમ્મીદ બની શકે છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ (SII) મંગળવારે કહ્યું હતું કે તાજેતરમાં મંકીપોકસના રોગના માટે વેક્સિન બનાવવા માટે કામ કરી રહ્યા છે.
એમપોકસ એ પ્રત્યક્ષ સંપર્કના માધ્યમથી ફેલાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વાયરસના નવા પ્રકારની ઓળખ કર્યા બાદ ગત 14 ઓગષ્ટના રોજ આ બીમારીને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.
આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપોકસના કેસોમાં અચાનક વધારો થયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. ભારતમાં, 2022 થી લગભગ 30 એમપોક્સ કેસ નોંધાયા છે. દેશમાં તાજેતરમાં કેસ માર્ચ 2024માં નોંધાયો હતો. કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને સીરમ સંસ્થાએ કહ્યું કે તે તેના માટે એક રસી બનાવી રહી છે અને એક વર્ષમાં સકારાત્મક પરિણામ મળવાની અપેક્ષા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયના સીઇઓ અદાર પૂનાવાલાએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે “Mpoxના પ્રકોપને કારણે જાહેર કરાયેલ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને ધ્યાનમાં રાખીને, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા હાલમાં આ રોગ માટે રસી વિકસાવવા માટે કામ કરી રહી છે, જેથી તેના સંભવિત જોખમમાં રહેલા લાખો લોકોના જીવનને બચાવી શકાય.” તેમણે કહ્યું કે તેમને આશા છે કે એક વર્ષમાં કેટલાક સારા અને સકારાત્મક પરિણામો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે પૂણે હેડક્વાર્ટર વાળી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. કંપની દર વર્ષે 3.5 અબજ ડોઝનું ઉત્પાદન કરે છે. કોરોના મહામારી દરમિયાન સીરમની રસીઓએ લાખો લોકોના જીવ બચાવ્યા હતા. તેણે માત્ર રસીને માત્ર ભારતને જ સપ્લાય કરી નથી પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ રસીને મોકલાવી છે.
વિશ્વમાં ફરી એકવાર મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને (Monkeypox)વૈશ્વિક કટોકટી જાહેર કરી છે. કોંગો અને આફ્રિકાના અન્ય ભાગોમાં આ રોગ ફેલાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંકીપોક્સના નવા સ્વરૂપનો પ્રથમ કેસ પણ સ્વીડનના પ્રવાસીમાંથી મળી આવ્યો છે. અત્યાર સુધી આવો કિસ્સો માત્ર આફ્રિકામાં જ જોવા મળતો હતો. અન્ય યુરોપિયન દેશોમાં પણ મંકીપોક્સના કેસોમાં વધારો થવાની ધારણા છે.આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ મંકીપોકસના કેસ નોંધાયા છે.
Also Read –