વહેલા વરસાદનું રહસ્ય – ‘ગ્લોબલ વોર્મિંગ’ કે અન્ય કારણો?

ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી વરસાદનું મહત્વ ખૂબ વધુ છે. પરંતુ પાછલા એકાદ દશકથી વરસાદના આગમન અને પ્રમાણમાં ઘણી અનિશ્ચિતતા પ્રવર્તતી દેખાય છે. આ વર્ષ પણ તેમાં બાકાત નથી. આ વર્ષે નિષ્ણાતોની આગાહી પણ ખોટી પાડીને વરસાદ વહેલો આવી ગયો છે. આ વર્ષે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં ચોમાસુ તેના નિર્ધારિત સમય પહેલા આવી ગયું છે. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદને કારણે મોટી જાનહાનિના સમાચાર છે, જ્યારે જાહેર પરિવહન પર અસર થવાથી જનજીવન પર અસર થઈ છે. આ વર્ષે મે મહિનાથી ચોમાસું બેસી જવાની બાબત હવામાન વિભાગ જ નહીં, પરંતુ દેશની સમગ્ર યંત્રણા આશ્ચર્યમાં આવી ગઈ છે.
આઈએમડી શું કહે છે?
આ વખતે ચોમાસાની શરૂઆત બે કારણોસર ખાસ છે. પહેલા, તે ઘણી જગ્યાએ એક કે બે અઠવાડિયા વહેલું પહોંચ્યું છે. બીજું, તે એક જ દિવસમાં કેરળથી મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે. આ બાબત ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસર છે. જોકે, હવામાન વિભાગ IMD કહે છે કે ગ્લોબલ વોર્મિંગની ચોમાસા પર બહુ ઓછી અસર પડે છે.
આ પણ વાંચો: મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…
આ વર્ષે મે મહિનામાં મેઘમહેર
આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન એક દુર્લભ ઘટના છે. આ પહેલા ચોમાસુ ૧૯૭૧માં વહેલું આવ્યું હતું. તે સમયે કર્ણાટક અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ચોમાસુ એક સાથે આવ્યું હતું. આ વખતે પણ એવું જ બન્યું છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. IMDના મતે ચોમાસુ વહેલું આવે અને એકસાથે અનેક સ્થળોએ ફેલાય તે અસામાન્ય છે. સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયામાં કેરળથી ચોમાસું શરૂ થાય છે, પછી ધીમે ધીમે તે ઉત્તર ભારત તરફ આગળ વધે છે. પણ આ વખતે તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ મેઘરાજાએ ઘણા રાજ્યોમાં મહેર કરી છે.
બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું
હવામાન વિભાગ કહે છે કે ગ્લોબલ વોર્મિંગની ચોમાસા પર બહુ અસર થતી નથી, પરંતુ વિશ્વભરમાં થઈ રહેલા ફેરફારોને જોતાં એવું લાગે છે કે ગ્લોબલ વોર્મિંગની ચોક્કસ કોઈને કોઈ અસર છે. યુરેશિયા અને હિમાલયમાં બરફ ઘટી રહ્યો છે. જમીન ઝડપથી ગરમ થઈ રહી છે, જેના કારણે ચોમાસાનું વહેલું આગમન થઈ શકે છે.
આ વર્ષે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધુ હતું, જેના કારણે ચોમાસુ વહેલું આવી ગયું. કર્ણાટક અને ગોવા નજીક રચાયેલા ચક્રવાતે પણ આમાં મદદ કરી. આ વખતે સોમાલી જેટ પવન પણ વધુ મજબૂત છે. આ પવન મોરેશિયસ અને મડાગાસ્કરની નજીકથી આવે છે અને અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારતના પશ્ચિમ કિનારે પહોંચે છે. આ પવનને કારણે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વહેલો વરસાદ શરૂ થયો.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…
આ વર્ષે અલ નીનોની અસર ઓછી થઈ
સામાન્ય રીતે અલ નીનોને કારણે ચોમાસુ નબળું પડે છે, પરંતુ આ વર્ષે અલ નીનોની અસર ઓછી છે, જેના કારણે ચોમાસુ સારું રહેવાની ધારણા છે. ૨૦૨૫માં ચોમાસાનું વહેલું આગમન એક ચેતવણી છે. આપણે આબોહવા પરિવર્તન વિશે વિચારવું પડશે અને તેના માટે તૈયાર રહેવું પડશે.
આંધ્ર પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (APSDMA)એ આજે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું રાજ્યના રાયલસીમા ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે. આજે દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુના બાકીના ભાગો તેમજ તેલંગણા અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. સોમવારે કોલકાતા શહેર અને દક્ષિણ બંગાળના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
28મીથી મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગે આને દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમન પહેલાના વરસાદ તરીકે વર્ણવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 મેની આસપાસ પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તેની અસરને કારણે, 28 મેથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાએ સંપૂર્ણ જોરશોરથી બેટિંગ કરી છે.
પશ્ચિમ મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાના કોંકણ પ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. રાયગઢ જિલ્લામાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. સોમવારે ભારે વરસાદને કારણે ભૂગર્ભ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા બાદ આચાર્ય અત્રે ચોક અને વરલી વચ્ચે મેટ્રો લાઈન 3 પર ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.