કેશ ફૉર ક્વૅરીને મામલે મહૂઆ મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ પૂર્વગ્રહયુકત
નવી દિલ્હી: કેશ ફૉર ક્વૅરીને મામલે ટીએમસીના સાંસદ મહૂઆ મોઈત્રાને ગૃહમાંથી બરતરફ કરવાની લોકસભાની નીતિ વિષયક સમિતિએ કરેલી ભલામણ પૂર્વગ્રહયુકત હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
લોકસભાની નીતિ વિષયક સમિતિએ સાંસદને બરતરફ કરવાની ભલામણ કરી હોય તેવું કદાચ આ પ્રથમ જ વાર બન્યું છે, એમ લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી ડી ટી આચાર્યએ કહ્યું હતું.
ભાજપના સાંસદ વિનાદકુમાર સોનકરના વડપણ હેઠળની સમિતિની અહીં મળેલી બેઠકમાં મોઈત્રાની બરતરફીની ભલામણના અહેવાલને સ્વીકારવામાં આવ્યો હતો.
સમિતિની આ ભલામણ પૂર્વગ્રહયુક્ત હોવાનું વિપક્ષના ચાર સભ્યએ કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ લોકસભામાંથી મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કૉંગ્રેસના સાંસદ પ્રણિત કૌરે આ ભલામણની તરફેણમાં મત આપ્યો હતો.
આચાર્યએ કહ્યું હતું કે લોકસભાની નીતિ વિષયક સમિતિનો અહેવાલ હવે લોકસભાના સ્પિકર ઓમ બિરલાને મોકલવામાં આવશે અને તેઓ આ મામલે આદેશ આપે એવી શક્યતા છે.
સંસદના આગામી સત્રમાં કમિટિના અધ્યક્ષ આ અહેવાલ ગૃહમાં રજૂ કરશે અને ત્યાર બાદ તેના પર ચર્ચાવિચારણા અને મતદાન કરવામાં આવશે. વર્ષ ૨૦૦૫માં કેશ ફૉર ક્વૅરીને મામલે ૧૧ સાંસદને સંસદમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે લોકસભાની ઈન્ક્વાયરી કમિટી અને રાજ્યસભાની નીતિ વિષયક સમિતિ દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી. (એજન્સી)ઉ