રાષ્ટ્રપતિએ બદરીનાથમાં દર્શન-પૂજા કરી
પૂજા-દર્શન: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉત્તરાખંડના ગવર્નર લે. જનરલ ગુરમિતસિંહ, મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને અન્યો સાથે ચમોલી જિલ્લાસ્થિત બદરીનાથ મંદિરમાં પૂજા-દર્શન કર્યા હતા. (એજન્સી)
ગોપેશ્ર્વર (ઉત્તરાખંડ): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે બદરીનાથના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. ઉત્તરાખંડના ગવર્નર લેફ્ટ જનરલ (નિવૃત્ત) ગુરમિતસિંહ, મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને બદરીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે રાષ્ટ્રપતિનું આર્મી હેલિપેડ પર સ્વાગત કર્યું હતું. સવારે ૧૧ કલાકે રાષ્ટ્રપતિએ ભગવાન બદરીવિશાલના દર્શન કર્યા હતા અને લગભગ ૨૫ મિનિટ સુધી પૂજા કરી હતી. જ્યારે રાષ્ટ્રપતિ પૂજા કરી રહ્યા હતા ત્યારે મુખ્ય પૂજારી ઈશ્ર્વરીપ્રસાદે અને વેદપાઠીઓએ શ્ર્લોકોનો પાઠ કર્યો હતો તેવી માહિતી મંદિર સમિતિના મીડિયા-ઈન્ચાર્જ હરિશ ગૌડે આપી હતી.
મંદિર સમિતિના અધ્યક્ષ અજયે રાષ્ટ્રપતિને પ્રસાદ આપ્યો હતો અને શાલ આપી હતી. મુખ્ય પ્રધાન ધામીએ તેમને મંદિરની પ્રતિકૃતિ અને અન્ય ભેટ આપી હતી. દર્શન પછી રાષ્ટ્રપતિ મુર્મૂ એચએનબી ગઢવાલ યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારંભમાં સંબોધન કરવા રવાના થયા હતા.