નેશનલ

રાષ્ટ્રપતિએ ભારતરત્ન એનાયત કર્યા

ભારતરત્ન: દિલ્હીમાં શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજવામાં આવેલા એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ ગણાતા ભારતરત્ન અવૉર્ડ (મરણોત્તર)થી નવાજ્યા હતા. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે પિતા વતી આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. (એજન્સી)

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારોહમાં ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ, કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન અને બે વખત બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને મરણોત્તર, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કર્યા હતા.

રાવ, સિંહ, ઠાકુર અને સ્વામીનાથનને પુરસ્કારો તેમના સંબંધીઓ દ્વારા પ્રાપ્ત થયા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન રાવના પુત્ર પી. વી. પ્રભાકર રાવને રાષ્ટ્રપતિ તરફથી તેમના પિતાને આપવામાં આવેલો અવોર્ડ મળ્યો હતો. સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના વડા જયંત ચૌધરીએ મુર્મૂ પાસેથી સન્માન સ્વીકાર્યું. સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવ અને ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે રાષ્ટ્રપતિ પાસેથી અવોર્ડ મેળવ્યો હતો.

આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ વર્ષે, સરકારે પાંચ ભારત રત્ન પુરસ્કારની જાહેરાત કરી હતી, જેમાં એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના દિગ્ગજ અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button