મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી: ‘લોકોને સારું સારું બતાડીને ભોળવવાનું બંધ કરો’
નવી દિલ્હી: સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો તેમજ સરકાર બેરોજગારી તથા મોંઘવારી સહિતની અલગ અલગ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મુકતા વિપક્ષે આજે ગૃહમાં સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ચર્ચાની શરૂઆત કરતા YSR કોંગ્રેસ નેતા વી વિજયસાઇ રેડ્ડીએ કહ્યું હતું કે 2004થી 2014 સુધી આર્થિક ગેરવહીવટ થયો જેને કારણે દેશના આર્થિક વિકાસમાં અવરોધ આવ્યો હતો. વર્તમાનમાં દેશની આર્થિક સ્થિતિને જોતા એ વાતમાં કોઇ શંકા નથી કે ભારત આવનારા સમયમાં વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંનું એક હશે.
કોંગ્રેસે જનતાના રૂપિયાને પોતાના રૂપિયા સમજીને કૌભાંડો આચર્યા. બોફોર્સ કૌભાંડ, 2-જી કૌભાંડ, આદર્શ કૌભાંડ સહિતના અનેક કૌભાંડ કોંગ્રેસના શાસનકાળમાં થયા. કોંગ્રેસે દેશના હિતોને નહી, પોતાના હિતોને પ્રાધાન્ય આપ્યું, તેવું વિજયસાઇ રેડ્ડીએ કહ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસના જવાહર સરકારે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે મોટામોટા દાવા કરનારી સરકાર ન તો રોજગાર આપી શકી છે ન તો મોંઘવારી ઘટાડી શકી છે. તેમણે કરવેરાના માળખાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સામાન્ય માણસે 76 ટકા કર ચૂકવ્યો છે જ્યારે કોર્પોરેટ આવકવેરો 4 લાખ કરોડ રૂપિયાની રાહત બાદ પણ ફક્ત 24 ટકા રહ્યો છે. સરકાર 12 લાખ કરોડ રૂપિયા વ્યાજે આપી રહી છે, 6 લાખ કરોડ રૂપિયા સંરક્ષણ પાછળ ખર્ચી રહી છે. અઢી લાખ કરોડ રૂપિયા પેન્શન પર ખર્ચી રહી છે પણ ગરીબો માટે કેટલો ખર્ચ થઇ રહ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા જવાહર સરકારે આગળ જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળના એક લાખ 16 હજાર કરોડ રૂપિયા રોકી દેવામાં આવ્યા છે. આર્થિક નાકાબંદી છે અને સરકાર ગરીબ લોકોને મારવા ઇચ્છે છે. આ એક પ્રકારનો રાજકોષીય આંતકવાદ છે’. સીએમઆઇની રિપોર્ટ મુજબ દેશમાં 45 ટકા યુવાનો બેરોજગાર છે. આ યુવાનો સરકારને જરૂર પાઠ ભણાવશે, તેવું ટીએમસી નેતાએ કહ્યું હતું.
ડીએમકેના સાંસદ એન શણમુગમે કહ્યું હતું કે સરકાર સંઘવાદની વાત કરે છે પરંતુ તેનો અમલ કરતી નથી. તેમણે કહ્યું હતું કે તમિલનાડુમાં પૂરને કારણે ભારે તબાહી થઈ છે અને રાજ્ય સરકારે કેન્દ્રને આર્થિક મદદ માટે વારંવાર અપીલ કરી છે જેથી ત્યાંના પુનર્વસન અને રાહત કાર્યોને ઝડપી બનાવી શકાય.
બજેટને સમર્થન આપતા ભાજપના નેતા ઘનશ્યામ તિવારીએ કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થામાં સકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે. “સરકારે દસ વર્ષમાં ઘણા મોટા કામ કર્યા છે. 34 લાખ કરોડ રૂપિયાની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જન ધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેના કારણે 2.78 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે અને 25 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.” તેવું તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ એ ડી સિંહે કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ મફત સિલિન્ડર આપવાની વાત થઈ રહી છે પરંતુ સરકારે પહેલા એ જણાવવું જોઈએ કે કેટલા સિલિન્ડર રિફિલ કરવામાં આવી રહ્યા છે. કદાચ પાંચ ટકા સિલિન્ડરો પણ રિફિલ નથી થઈ રહ્યા.
ગ્રામ્ય સ્તરે ઘણી એવી સમસ્યાઓ છે જેના ઉકેલ માટે સરકારે પગલા લેવા જોઇએ. જનતા દલના સાંસદ રામનાથ ઠાકુરે જણાવ્યું હતું કે બિહારમાં લાંબા સમયથી મોટા ઉદ્યોગોની જરૂરિયાત છે. જેથી યુવાનોને રોજગારી મળી શકે. વર્તમાન સ્થિતિને જોતા શાળાઓની સંખ્યા પણ વધારવાની જરૂર છે.