
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છેલ્લા 45 દિવસી યોજાઈ રહેલા મહાકુંભ મેળાનો આજે છેલ્લો દિવસ છે. હવે 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાશે, એવામાં ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે એક ચેતવણી (Sonam Wangchuk letter to PM Modi) વ્યક્ત કરી છે. સોનમ વાંગચુકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક જાહેર પત્ર લખીને આશંકા વ્યક્ત કરી છે કે આગામી મહાકુંભ રેતી પર યોજાઈ શકે છે, કારણ કે નદીઓ સુકાઈ જશે.
સોનમ વાંગચુક લદ્દાખમાં ગ્લેશિયર્સને બચાવવા માટે વર્ષોથી અભિયાન ચલાવી રહ્યા છે, તેઓ પર્યાવરણ બચાવવા માટે લોકોને પ્રેરણા આપતા રહે છે. સોનમ વાંગચુકે પત્રમાં હિમાલયના ગ્લેશિયર ઝડપથી પીગળવા તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો. નોંધનીય છે કે હિમાલયના ગ્લેશિયર્સ ઉત્તર ભારતની મોટી નદીઓના સ્ત્રોત છે.
‘ભારતે આગેવાની લેવી જોઈએ’
વાંગચુકે સૂચન કર્યું કે ભારતે ગ્લેશિયર્સના સંરક્ષણમાં આગેવાની લેવી જોઈએ. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું કે, “ભારતે ગ્લેશિયર્સના સંરક્ષણમાં આગેવાની લેવાની જરૂર છે કારણ કે આપણી પાસે હિમાલય છે, અને ગંગા અને યમુના જેવી આપણી પવિત્ર નદીઓ ત્યાંથી જ નીકળે છે.”
આ પણ વાંચો…મહાકુંભનો આજે અંતિમ દિવસ, સંગમ તટ પર ઉમટ્યું માનવ મહેરામણ…
વાંગચુકે વડા પ્રધાનની વિવિધ પર્યાવરણીય પહેલોની પ્રશંસા પણ કરી અને હિમાલયના ગ્લેશિયર્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક કમિશન સ્થાપવા વિનંતી કરી.
મહાકુંભ રેતાળ પટ પર યોજાશે:
તેમણે ચેતવણી આપતા કહ્યું કે “આપણે બધા જાણીએ છીએ તેમ, હિમાલયના ગ્લેશિયર્સ ખૂબ જ ઝડપથી પીગળી રહ્યા છે, અને જો એ ચાલુ રહેશે અને સાથે જંગલ કાપવાની પ્રવૃતિઓ વર્તમાન દરે ચાલુ રહી, તો થોડા દાયકાઓમાં ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ જેવી આપણી પવિત્ર નદીઓ મોસમી નદીઓ બની શકે છે. એવું પણ થઇ શકે કે આગામી મહાકુંભ નદીના રેતાળ પટ પર જ યોજાશે.”
વાંગચુકે દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે લોકોમાં આ મુદ્દા પર ખૂબ ઓછી જાગૃતિ છે.
યુનાઈટેડ નેશન્સે વર્ષ 2025 ને “આંતરરાષ્ટ્રીય ગ્લેશિયરસ સંરક્ષણ વર્ષ” તરીકે જાહેર કર્યું છે.