છત્તીસગઢના નવા સીએમના માથે છે ₹ ૬૬ લાખની લોન
નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું હતું. આ ત્રણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી મળી છે. દરમિયાન, રવિવારે છત્તીસગઢને આખરે નવા સીએમ મળી ગયા છે.
પક્ષે આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપતા તેઓ છત્તીસગઢના નવા સીએમ બન્યા છે. ચાર વખત સાંસદ, બે વખત વિધાન સભ્ય અને બે વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા વિષ્ણુદેવ સાયની સંપત્તિ કરોડોમાં છે.
વિધાનસભાની તાજેતરની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર તેમની પાસે ૩ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. માયનેતા ડૉટ કોમ વેબ પોર્ટલ અનુસાર વિષ્ણુદેવ સાય અને તેમના પરિવારની કુલ સંપત્તિ ૩,૮૦,૮૧,૫૫૦ રૂપિયા છે, જ્યારે જવાબદારીની વાત કરીએ તો તે ૬૫,૮૧,૯૨૧ રૂપિયા છે.
નવા મુખ્ય પ્રધાનનની નેટવર્થ વિશે આપણે વાત કરીએ તો તેમની પાસે ૩.૫ લાખ રૂપિયાની રોકડ છે જ્યારે તેમની પત્ની પાસે ૨.૨૫ લાખ રૂપિયાની રોકડ છે. તેમના પરિવાર પાસે કુલ ૮.૫ લાખ રૂપિયાની રોકડ છે. જો તેમની બેંક ડિપોઝિટસની વાત કરીએ તો મુખ્ય પ્રધાનના બેંક ઓફ બરોડાના ખાતામાં એક લાખ રૂપિયા, રાજ્ય ગ્રામીણ બેંકમાં ૮૨ હજાર રૂપિયા, સ્ટેટ બેંક ખાતામાં ૧૫,૯૯,૪૧૮ રૂપિયા અને ભારતીય બેંક ખાતામાં માત્ર બે હજાર રૂપિયાની ડિપોઝીટ છે. તેમની પત્નીના સ્ટેટ રૂરલ બેંક ખાતામાં ૧૦.૯ લાખ રૂપિયા
જમા છે.
છત્તીસગઢના નવા સીએમએ શેર, બોન્ડ કે પોસ્ટલ સેવિંગ્સમાં કોઈ રોકાણ કર્યું નથી. તેમણે કઈંઈની પૉલિસીમાં રોકાણ કર્યું છે. ૪૫૦ ગ્રામ સોનું, ૨ કિલોગ્રામ ચાંદી, ૫ રત્તી હીરાની વીંટી છે, આ તમામની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા છે. તેમની પત્ની પાસે ૨૦૦ ગ્રામ સોનું અને ત્રણ કિલો ચાંદી છે. નવા સીએમ પાસે કાર નથી.તેમની પાસે બે ટ્રેક્ટર છે. તેમની પાસે ૫૮,૪૩,૭૦૦ રૂપિયાની ખેતીલાયક જમીન છે. ૨૭,૨૧,૦૦૦ રૂપિયાની બિનખેતીની જમીન છે.
જશપુરમાં તેમના નામે એક કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની કિંમત ૨૦,૦૦,૦૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય રહેણાક મકાનોની વાત કરીએ તો તેમની પાસે ૧,૫૦,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે મકાનો છે. આ મિલકત ઉપરાંત વિષ્ણુદેવ સાયના નામે બે લોન પણ ચાલી રહી છે, જેમાંથી એક એસબીઆઇમાંથી લેવામાં આવેલી સાત લાખ રૂપિયાની કૃષિ લોન અને ૪૯ લાખ રૂપિયાની હોમ લોન છે.