નેશનલ

આવાસ યોજનાના લાભાર્થીને સાંસદે સવાલ કર્યો રુપિયા તો આપ્યા નથી, જવાબ શું મળ્યો હશે?

બદાયુ: ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર ગરીબોના કલ્યાણ માટે યોજનાઓ બનાવે છે, પરંતુ તે યોજનાના લાભ લોકો સુધી પહોંચતા પહોંચતા તેને ભ્રષ્ટાચારનો ભોરિંગ વીંટળાઇ વળ્યો હોય છે, લાભાર્થીને લાભના સ્વરૂપમાં માત્ર શોષણનું વિષ જ પ્રાપ્ત થાય છે. યોજના ઘડવાનું કામ સરકારનું છે, પરંતુ જ્યારે યોજનાની અમલવારીની વાત આવે ત્યારે અધિકારીઓના ભ્રષ્ટ વ્યવહારોની આંટીઘૂંટીમાં તે એવી જકડાઇ જાય છે, કે પછી જે હેતુથી યોજના ઘડાઇ હોય તેનો કોઇ લાભ ગરીબોને મળતો દેખાતો નથી.

ઉત્તર પ્રદેશના બદાયું ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જેમાં સરકારી યોજનાના લાભાર્થીએ જ લાંચિયા વ્યવહારોની પોલ ખોલી હતી. ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે પીએમ આવાસ યોજનાની એક લાભાર્થી વૃદ્ધ મહિલાને ચાવી સોંપતા પૂછ્યું હતું કે કોઇએ પૈસા તો નથી લીધાને? જેના જવાબમાં તેણે તરત જ કહી દીધું કે યોજનાનો લાભ મેળવવા માટે તેને 30 હજાર રૂપિયાની લાંચ આપવી પડી હતી.

જવાબ આપનાર લાભાર્થી વૃદ્ધા પોતે ઉસાવાં ગામની નગર પંચાયતની શારદા દેવી તરીકે થઇ છે. જેમને આંવલાથી ભાજપ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ ‘પીએમ આવાસ યોજના’ હેઠળ મકાન ફાળવણી થતા મકાનની ચાવી સોંપી રહ્યા હતા, તે દરમિયાન સાંસદને શું સુઝ્યું કે સામેથી જ તેમણે વૃદ્ધાને પૂછ્યું હતું કે શું આ લાભ મેળવવા તેને કોઇને રૂપિયા તો નથી આપવા પડ્યા. આ સવાલ દ્વારા તેઓ લાભાર્થીનો અનુભવ જાણવા માગતા હતા. વૃદ્ધાએ જો કે ભોળપણમાં તંત્રની કામગીરી ઉઘાડી પાડી દીધી હતી અને માઇક પર જ પૂછાયેલા સવાલના જવાબમાં પોતે 30 હજાર ચૂકવ્યા હોવાની કબૂલાત કરી હતી.

આ વાત સાંભળીને પહેલા તો ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા, જો કે મીડિયાની નજરો મંડાયેલી હોવાને પગલે સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે કહ્યું આ ખૂબ ગંભીર વિષય છે, આની તપાસ કરાવો. એ પછી તાત્કાલિક જિલ્લા મેજીસ્ટ્રેટને ઘટના અંગે કાર્યવાહી કરવાની સૂચના આપી દેવાઇ હતી.

સમાજવાદી પાર્ટી નેતા ધર્મેન્દ્ર યાદવે ઘટનાનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પર મુકીને સત્તાપક્ષ પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું હતું કે જે લોકો પહેલા એવું કહેતા હતા કે તેઓ ખાતા નથી અને ખાવા દેતા નથી, આજે એ જ સિસ્ટમના લોકો ખાઇ પણ રહ્યા છે અને ખવડાવી પણ રહ્યા છે. દરેક યોજનાના લાભાર્થી સાથે આવુંજ થઇ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button